Video: દેવગઢ બારિયામાં ભાજપને ઝટકો! ભાજપ પ્રમુખના પિતાએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ

દેવગઢ બારિયાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, જ્યાં સ્થાનિક ભાજપ પ્રમુખ હરેશભાઈ પટેલના પિતા કરણસિંહ ઉર્ફે કરણ મામાએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નિનામા, પ્રભારી એડવોકેટ સુરેશ પટેલ અને શહેર પ્રમુખ ઈશ્વરભાઈ વખલાનીની ઉપસ્થિતિમાં તેમણે પક્ષપલટો કર્યો છે. છેલ્લા 30 વર્ષથી ખજૂરી ગામના સરપંચ અને ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ રહી ચૂકેલા કરણ મામાએ પક્ષમાં અવગણના અને માન-સન્માન ન મળવાના કારણે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. એક તરફ પુત્ર ભાજપ સંગઠનના પ્રમુખપદે છે અને બીજી તરફ પિતા કોંગ્રેસમાં જોડાતા સમગ્ર પંથકમાં ભારે રાજકીય ચર્ચાઓ જાગી છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા કરણસિંહ પટેલને આગામી વિધાનસભાની ટિકિટ આપવાની લાલચ અપાઈ હોવાની અટકળોએ પણ જોર પકડ્યું છે.
જાહેરાત








