VIDEO: 'હું ધારાસભ્ય છું પછી મળજે ચાલો', ભાજપના અભેસિંહ તડવીનો વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના લિન્ડા ગામમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા સંખેડાના ધારાસભ્યને મતદારોના રોષનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક રહીશોએ જ્યારે આયુષ્માન કાર્ડ કઢાવવામાં પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી, ત્યારે વિનમ્રતા દાખવવાને બદલે ધારાસભ્ય મતદારો પર ઉકળી ઉઠ્યા હતા.વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધારાસભ્ય મતદારોને ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેની સામે ગ્રામજનોએ પણ વેધક સવાલો કર્યા હતા. પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા અભેસિંહ તડવીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભાજપની છબી ખરડાઈ રહી છે.
મતદારના સવાલો સાંભળી ધારાસભ્ય અભેસિંહ તડવી શાંતિથી જવાબ આપવાને બદલે ઉશ્કેરાઈ ગયા હતા. તેણે જાહેરમાં જ મતદારને ધમકાવતા લહેજામાં કહ્યું કે, 'હું ધારાસભ્ય છું, બેસી જા! કાગળ તો આપવા જ પડે, એના વગર લાભ ન મળે.' ધારાસભ્યનો આ અંદાજ જોઈને ત્યાં હાજર ગ્રામજનોમાં પણ ગણગણાટ અને નારાજગી જોવા મળી હતી.
ધારાસભ્ય અભેસિંહ તડવીના આકરા વલણ સામે મતદારે પણ નમતું ન જોખ્યું અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, 'જો અમને યોજનાના લાભ મળશે તો જ અમે મત આપીશું.' જનતા અને લોકપ્રતિનિધિ વચ્ચેની આ સીધી તકરારનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

