છોટાઉદેપુર નજીક ઈકો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના મોત

છોટાઉદેપુર નજીક આવેલા પીપલેજ ગામ અને સિંગલા ઘાટી પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં કુલ ત્રણ વ્યક્તિના કરૂણ મોત નીપજ્યાં છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તબીબે ત્રણેય ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યા
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર નજીક સિંગલા ઘાટી અને પીપલેજ ગામની હદ પાસે એક ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બે વ્યક્તિઓ અને ઇકો કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદથી ત્વરિત 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ ત્રણેય વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા.
ત્રણેય મૃતકો છોટાઉદેપુર પંથકના રહેવાસી
અકસ્માતની આ કરૂણ ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓની પ્રાથમિક ઓળખ થઈ ચૂકી છે. મળેલી માહિતી મુજબ, મૃતકો છોટાઉદેપુર પંથકના વજેપુર, ભૂમસવાડા અને રાયછા ગામના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની વધુ તપાસ શરૂ કરી છે.







