VIDEO: Chhota Udaipur / સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ; R&B વિભાગે ભાકા ગામનું નામ જ બદલી નાખ્યું
સરકારી વિભાગો વચ્ચેના સંકલનનો અભાવ ક્યારેક કેવી મુશ્કેલી ઉભી કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ નસવાડી તાલુકામાં જોવા મળ્યું છે. નસવાડી-કવાંટ રોડ પર આવેલા એક ગામના નામની જોડણીને લઈને શિક્ષણ વિભાગ અને સ્ટેટ માર્ગ-મકાન વિભાગ (R&B) સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
શું છે સમગ્ર વિવાદ?
નસવાડી-કવાંટ રોડ પર ભાકા ગામ આવેલું છે. ગ્રામ પંચાયત, શિક્ષણ વિભાગ અને રેવન્યુ રેકોર્ડમાં આ ગામનું નામ સ્પષ્ટપણે ભાકા લખાયેલું છે. જોકે, આ ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર જ્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામનું નામ દર્શાવતું વિલેજ બોર્ડ લગાવવામાં આવ્યું, ત્યારે તેમાં ગામનું નામ ભાખા લખી દેવામાં આવ્યું છે.
ગામની પ્રાથમિક શાળાના બિલ્ડિંગ પર ભાકા લખેલું છે, એટલું જ નહીં ખેતીની જમીનના સાત-બારના ઉતારા અને તમામ રેવન્યુ દસ્તાવેજોમાં પણ વર્ષોથી ભાકા નામ જ ચાલ્યું આવે છે. બીજી તરફ, સ્ટેટ આર એન્ડ બી વિભાગે પોતાની મરજી મુજબ બોર્ડમાં ભાખા લખી દેતા મુસાફરો અને ગ્રામજનોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય માર્ગોને જોડતા રસ્તા પર જ આ વિલેજ બોર્ડ મારેલું હોવાથી આ વિષય અત્યારે ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

