VIDEO: Chhota Udaipur / ધામસિયાથી જબુગામ સુધીના 38 કિલોમીટરના ફોરલેન હાઈવેની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે 56 (NH-56) ના નવિનીકરણની કામગીરી હાલ વિવાદોના ઘેરામાં આવી છે. ધામસિયાથી જબુગામ સુધીના 38 કિલોમીટરના ફોરલેન રસ્તાના નિર્માણમાં એસ્ટિમેટ વિરુદ્ધ કામગીરી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
1200 કરોડના તોતિંગ ખર્ચે બની રહેલા આ ફોરલેન હાઈવેમાં રોડ પહોળો કરવા માટે એસ્ટિમેટ મુજબ માટીનું પુરાણ કરવાનું હોય છે. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા માટીને બદલે ડુંગરો ખોદીને મોટા-મોટા પથ્થરો પૂરવામાં આવી રહ્યા છે. એસ્ટિમેટમાં પથ્થરો પૂરવાની કોઈ જોગવાઈ ન હોવા છતાં, આ પ્રકારની કામગીરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે.
જ્યારે સ્થાનિકોએ સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટરના ઈજનેરને આ અંગે પૂછપરછ કરી, ત્યારે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. બીજી તરફ, નેશનલ હાઈવે વિભાગના જવાબદાર અધિકારીઓ ફિલ્ડ પર દેખરેખ રાખવાને બદલે 'રામ ભરોસે' કામ ચલાવી રહ્યા હોય તેમ જણાય છે. કરોડોના ખર્ચે બનતા રસ્તાની ગુણવત્તા સામે અત્યારથી જ સવાલો ઊભા થઈ રહ્યા છે.
રોડની કામગીરીમાં થઈ રહેલી આ લાપરવાહીને પગલે નસવાડી પંથકના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો હાઈવે વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરીને એસ્ટિમેટ મુજબ કામગીરી નહીં કરાવે, તો આગામી દિવસોમાં સ્થાનિક દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

