VIDEO: Chhota Udaipur / કવાંટમાં આચારસંહિતાનું ઉલ્લંઘન; રાજકીય બેનરો હટાવવામાં અધિકારીઓ નિષ્ફળ
છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લાની 32 જિલ્લા પંચાયત બેઠકો અને સાત તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જોકે, કવાંટ તાલુકામાં આ નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે.
જિલ્લા કલેક્ટર દ્વારા આચારસંહિતાના ચુસ્ત અમલ માટે તાલુકા મથકો પર નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમ છતાં, કવાંટના જાહેર માર્ગો અને દીવાલો પર હજુ પણ રાજકીય પક્ષોના બેનરો અને પ્રતીકો યથાવત જોવા મળી રહ્યા છે. કલેક્ટરની કડક સૂચના હોવા છતાં સ્થાનિક અધિકારીઓ રાજકીય ચિન્હો દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. કવાંટ ગ્રામ પંચાયતની આસપાસ અને મુખ્ય બજારોમાં ઠેર-ઠેર રાજકીય પ્રચાર સામગ્રી દેખાઈ રહી છે, જે આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે અધિકારીઓ માત્ર કચેરીઓમાં બેસીને કાગળ પર કામગીરી બતાવી રહ્યા છે. વાસ્તવિકતામાં જમીની સ્તર પર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે કલેક્ટરે સ્પષ્ટ આદેશ આપ્યા હોય, ત્યારે કવાંટના અધિકારીઓ દ્વારા બેનરો દૂર ન કરવા તે તેમની નિષ્પક્ષતા સામે મોટા સવાલો ઊભા કરે છે.

