VIDEO: Chhota Udaipur / મોડલ સ્ટેટ ગુજરાતની વરવી વાસ્તવિકતા; બોડેલીના ઉંચાકલમમાં આઝાદીના દાયકાઓ બાદ પણ લાઈટ-પાણીના ફાંફા
ગુજરાત જ્યારે 'વિકસિત ગુજરાત'ના સપના સાકાર કરી રહ્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉંચાકલમ ગામનું 'કુંડી ફળિયું' વહીવટી તંત્રની ઘોર ઉપેક્ષાનો જીવતો જાગતો પુરાવો બની રહ્યું છે. એક સમયે ધમધમતું આ ગામ આજે સન્નાટામાં ફેરવાઈ ગયું છે. પાયાની સુવિધાઓના અભાવે સક્ષમ લોકો ગામ છોડી ગયા છે, પરંતુ જે અશક્ત અને વૃદ્ધો રહી ગયા છે, તેમનું જીવન હવે માત્ર સંઘર્ષની પરાકાષ્ઠા બની ગયું છે.
આઝાદીના દાયકાઓ બાદ પણ અહીં વિકાસ જાણે રસ્તો ભૂલ્યો છે. કુંડી ફળિયામાં આજે પણ લાઈટની વ્યવસ્થા નથી. પાકા રસ્તા તો સ્વપ્ન સમાન છે, પણ સૌથી વધુ દયનીય સ્થિતિ પીવાના પાણીની છે. અહીં નળ કે હેન્ડપંપ જેવી કોઈ સુવિધા નથી. રહીશોએ પીવાનું પાણી મેળવવા માટે દૂરી પર આવેલી કોતરોમાં જવું પડે છે.
ગામમાં રહી ગયેલા એક વૃદ્ધ દંપતીની કહાની આંખમાં પાણી લાવી દે તેવી છે. 75 વર્ષના વૃદ્ધ પતિની આંખો નબળી પડી ગઈ છે અને તેઓ કંઈ કરી શકવા અસમર્થ છે. તેમની 70 વર્ષની પત્ની પોતે અશક્ત હોવા છતાં, પોતાના અંધ પતિ અને પોતાનું પેટ ભરવા માટે મજૂરી કરવા જાય છે. જો મજૂરી મળે તો જ ઘરમાં ચૂલો સળગે છે, નહીંતર રાત્રે પાણી પીને ભૂખ્યા સુવાનો વારો આવે છે. સંતાનમાં કોઈ સહારો નથી, અને દુર્ભાગ્યવશ તેમની પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ કે ચૂંટણી કાર્ડ જેવા કોઈ સરકારી પુરાવા પણ નથી, જેના કારણે તેઓ સરકારી સહાયથી પણ વંચિત છે. જંગલ વિસ્તાર હોવાથી અહીં રાત્રિનો સમય અત્યંત ડરામણો હોય છે. ઘરમાં લાઈટ નથી અને મકાનોને દરવાજા પણ નથી. ગયા વર્ષના વાવાઝોડામાં પોતાનું મકાન ગુમાવ્યા બાદ, આ દંપતી ગામ છોડી ગયેલા અન્ય એક પરિવારના જર્જરિત મકાનમાં આશરો લઈ રહ્યું છે. દીપડા જેવા જંગલી જાનવરોનો સતત ભય રહે છે, છતાં લાચારી એવી છે કે બીજે ક્યાંય જઈ શકાય તેમ નથી.
ગામની એક અન્ય એક મહિલાની કહાની પણ આ દંપતી થી કમ નથી .આ મહિલા ને તો પરિવાર માં કોઈ નથી. એકલી અટુલી આ મહિલા ભૂખ અને ભય વચ્ચે જીવન ગુજારી રહી છે .રાત્રિ ના સમયે લાઇટ તો શું તેને દીવો સળગાવવા માટે તેલ પણ નથી. વૃદ્ધાવસ્થા સુધી પહોંચીને આ મહિલા એકલવાયું જીવન ગુજારી રહી છે.
આ સમગ્ર અવદશા પાછળ વહીવટી તંત્રની એક મોટી ભૂલ જવાબદાર છે. 2013માં જ્યારે છોટાઉદેપુર જિલ્લો બન્યો, ત્યારે સીમાંકન બદલાતા આ ગામ સંખેડા તાલુકામાંથી બોડેલીમાં આવ્યું. પરંતુ આ ફેરફારમાં ગામનો પંચાયતનો દરજો છીનવાઈ ગયો. આજે આ ગામનો કોઈ સરપંચ નથી કે કોઈ પંચાયત નથી. ગામ 'મોભી વગરનું' બની ગયું છે. અધિકારી સ્વીકારે છે કે પંચાયત ન હોવાથી પ્રશ્નો ઉભા થયા છે. તંત્ર કહે છે કે પંચાયત બનાવવા માટેની દરખાસ્ત સરકારમાં મોકલી છે પણ તે મંજૂર થઈ નથી. હવે ફરીથી દરખાસ્ત મોકલવાની વાતો થઈ રહી છે, પણ ત્યાં સુધી આ વૃદ્ધોનું શું?
જ્યારે સરકાર 'નલ સે જલ' અને 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના સૂત્રો આપે છે, ત્યારે ઉંચાકલમ ગામની આ સ્થિતિ વહીવટી તંત્રની નિષ્ફળતા છતી કરે છે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા વહીવટી તંત્ર જાગશે ખરું? શું આ વૃદ્ધોને તેમના હક્કની પ્રાથમિક સુવિધાઓ અને સરકારી સહાય મળશે?

