VIDEO: Chhota Udaipur / નસવાડી APMCમાં ગેરકાયદે બાંધકામનો વિવાદ; 2 દુકાનો બનાવી 46 લાખની ડિપોઝિટ ઉઘરાવી હોવાનો આક્ષેપ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ખાતે આવેલ એપીએમસી સબયાર્ડ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયું છે. ગ્રામ પંચાયતની કોઈપણ પ્રકારની બાંધકામ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બે દુકાનો બનાવી દેવામાં આવી હોવાનો અને આ દુકાનો પેટે લાખો રૂપિયાની ડિપોઝિટ ઉઘરાવી લેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સાંકળ તણખલા જૂથ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આ બાંધકામ અંગે એપીએમસી પાસે આધાર-પુરાવા અને મંજૂરીના પત્રો માંગવામાં આવ્યા હતા. જોકે, એપીએમસીના સત્તાધીશોએ તલાટીની નોટિસ સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તલાટીએ ત્યારબાદ રજીસ્ટર પોસ્ટ (RPAD) થી બે-બે વાર ટપાલ મોકલી હોવા છતાં સત્તાના નશામાં ચૂર સત્તાધીશોએ આ ટપાલ સ્વીકારી નહોતી, જે તંત્ર સામેના પડકાર સમાન મનાઈ રહ્યું છે.
આ સમગ્ર મામલામાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, એપીએમસી દ્વારા આ બંને વિવાદાસ્પદ દુકાનો બે વેપારીઓને ભાડા કરારથી આપી દેવામાં આવી છે અને તેની પેટે અંદાજે રૂપિયા 46 લાખ જેટલી માતબર રકમ ડિપોઝિટ તરીકે લઈ લેવામાં આવી છે. હવે જ્યારે આ મામલે વિવાદ વકર્યો છે અને ગ્રામ પંચાયતે તપાસ તેજ કરી છે, ત્યારે એપીએમસીના સત્તાધીશો જવાબ આપવાનું ટાળી રહ્યા છે અને હાલ એપીએમસી કચેરીએ તાળા લટકી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ પણ અહીં 10 દુકાનો કોતર ઉપર બનાવવામાં આવી હતી અને હવે નવી બે દુકાનો પણ કોતર પર જ બનાવવામાં આવી છે. આ ગંભીર બેદરકારીને પગલે ગ્રામ પંચાયત દ્વારા બાંધકામની માપણી કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
તલાટીએ હવે આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO) અને ઉચ્ચ અધિકારીઓ પાસે માર્ગદર્શન માંગ્યું છે. સ્થાનિકોની માંગ છે કે જિલ્લા રજિસ્ટ્રાર અને ઉચ્ચ અધિકારીઓ આ મામલે તટસ્થ તપાસ કરી દોષિત સત્તાધીશો સામે કડક પગલાં ભરે.

