Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Crores spent on water tank, but pipeline forgotten

VIDEO: Chhota Udaipur / 82 કરોડની યોજનામાં ઘોર બેદરકારી, કરોડોના ખર્ચે ટાંકી બની પણ પાઈપલાઈન નાખવાનું તંત્ર ‘ભૂલી’ ગયું!

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

એક તરફ સરકાર આદિવાસી વિસ્તારોમાં નળ સે જળ યોજના હેઠળ કરોડો રૂપિયા ખર્ચવાના દાવા કરે છે, તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડબ્બા ગામે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. નર્મદા નદીના કાંઠે વસેલા આ ગામમાં પીવાના પાણીની ટાંકી અને સંપ તો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ ફળિયાઓ સુધી પાઈપલાઈન નાખવાની કામગીરી ન થતા 400 જેટલા ગ્રામજનો ભર ઉનાળે ટીપાં-ટીપાં પાણી માટે વલખાં મારી રહ્યા છે.

App Store

કુપ્પા પાણી પુરવઠા યોજના અંતર્ગત ડબ્બા ગામના લોકોને શુદ્ધ ફિલ્ટર વાળું પાણી મળે તે માટે લાખોના ખર્ચે સંપ અને ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ સંપમાં પાણી તો આવે છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સંપથી લઈને ગામના નિશાળ ફળિયું અને પટેલ ફળિયું સહિતના વિસ્તારોમાં પાઈપલાઈન અને નળ કનેક્શન આપવાની કામગીરી જ કરવાનું ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે. પરિણામે, ટાંકીમાં પાણી હોવા છતાં લોકો તરસ્યા છે.

ગામમાં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા વોટર વર્ક્સના બોર પણ હવે ઉનાળાની શરૂઆતમાં જ ડચકાં ખાઈ રહ્યા છે. ભૂગર્ભ જળના સ્તર નીચે જતા રહેતા બોરમાંથી પૂરતું પાણી આવતું નથી. ગ્રામજનોને અત્યારથી જ ખેતરોમાં આવેલા કુવાઓ પર પાણી ભરવા જવાની નોબત આવી છે. 400 લોકોની વસ્તી અને પશુધનને પાણી પીવડાવવા માટે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે.

છોટાઉદેપુર જિલ્લાના 72 ગામોને શુદ્ધ પાણી પહોંચાડવા માટે અંદાજે 82 કરોડ રૂપિયાની યોજના છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે. સરકાર દ્વારા આટલી માતબર રકમ ફાળવવામાં આવી હોવા છતાં, ડબ્બા ગામ જેવા છેવાડાના વિસ્તારોમાં પાઈપલાઈન જેવી પાયાની કામગીરીમાં થતી વિલંબ અને ખામીઓ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. સ્થાનિકોનું કહેવું છે કે જો ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવીને તપાસ કરે, તો યોજનામાં થયેલી ગેરરીતિઓ અને અધિકારીઓની બેદરકારીની ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.