VIDEO: છોટાઉદેપુરના નસવાડી બારી મોહડા ગામે પીવાના પાણીની તંગી મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સોશિયલ મીડિયા પર જોરદાર રાજકીય જંગ
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના બારી મોહડા ગામે પીવાના પાણીની તંગી મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સોશિયલ મીડિયા પર જોરદાર રાજકીય જંગ છેડાયો છે. ભાજપના નેતાઓએ ગામના હેડપંપ ચાલુ હોવાનો વીડિયો મૂકીને બધું બરાબર હોવાનો દાવો કર્યો હતો, જેની સામે આપના નેતાઓએ અને સ્થાનિક આદિવાસીઓએ વાસ્તવિકતા બતાવીને ભાજપના દાવાઓનો પર્દાફાશ કર્યો છે. ગ્રામજનોના મતે, હેડપંપમાંથી માત્ર 4થી 5 બેડા પાણી જ ભરાય છે અને વિસ્તારના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આ આક્રોશ વચ્ચે 82 ગામોને પાણી પૂરું પાડવા માટે 82 કરોડના ખર્ચે બનેલી કુપ્પા પાણીપુરવઠા યોજનાસામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ યોજનામાં 60 કરોડથી વધુનો તોતિંગ ખર્ચ કરવા છતાં હજુ સુધી પાણી ન મળતા લોકોમાં ભારોભાર નારાજગી છે. હાલમાં બંને પક્ષો સોશિયલ મીડિયા પર વીડિયો વોર રમી રહ્યા છે, પરંતુ કરોડોના ખર્ચે બનેલી સરકારી યોજનાનું પાણી કેમ નથી મળતું તે અંગે ભાજપ મૌન હોવાથી લોકો હવે વિરોધ પ્રદર્શન તરફ વળ્યા છે.

