Video: સરકારી કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કરોડો રૂપિયાનો વ્યય થયો: આપ

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ પર સરકારી નાણાં અને વહીવટી તંત્રના દુરુપયોગના ગંભીર આક્ષેપો કર્યા છે. વસાવાએ કહ્યું કે, બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં આયોજિત મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા કરોડો રૂપિયાનો વ્યય કરવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે માત્ર છ તાલુકાઓમાં જ અંદાજે ૪૬૫ જેટલી સરકારી અને ખાનગી બસો ફાળવવામાં આવી હતી. તેમને કહ્યું કે, છોટાઉદેપુરમાં ૧૧૭, જેતપુરમાં ૧૩૮ પિંક બસ, કવાટમાં ૧૦૭, સંખેડામાં ૩૫, કદવાલમાં ૩૦ અને બોડેલીમાં પણ મોટી સંખ્યામાં બસો ફાળવીને સરકારી તિજોરી પર બોજ નાખવામાં આવ્યો છે. સાથે જ કાર્યક્રમમાં લોકોની હાજરી સુનિશ્ચિત કરવા અને ગણતરી કરવા માટે તલાટીઓ, શિક્ષકો, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો તેમજ મનરેગા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓને ફરજ પર લગાડવામાં આવ્યા હતા. તેમના મતે, સરકારી કર્મચારીઓનો આ પ્રકારે ઉપયોગ થવાથી સામાન્ય પ્રજાના રોજિંદા કામો અટવાયા છે.







