VIDEO: Chhota Udaipur /બોડેલી નગરપાલિકા બને 7 મહિના થયા છતાં વિકાસના નામે મીંડું, પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિકોમાં રોષ
છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકાને સાત માસ વીતી ગયા હોવા છતાં, હજુ સુધી વિકાસનું એક પણ કામ શરૂ ન થતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા વિકાસ કામો માટે 7 કરોડ રૂપિયા જેટલી માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ રાજકીય ખેંચતાણ અને સત્તાધીશોની અનિર્ણાયકતાને કારણે આ રકમ વણવપરાયેલી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બોડેલી, ઝાખરપુરા, ચાચક, ઢોકલીયા અને અલિખેરવા જેવી પાંચ ગ્રામ પંચાયતોને જોડીને બોડેલી નગરપાલિકાની રચના કરવામાં આવી હતી. આ નિર્ણયથી 25 હજારથી વધુ નાગરિકોમાં આશા જાગી હતી કે હવે સુવિધાઓમાં વધારો થશે. જોકે, વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત જોવા મળી રહી છે.
સૂત્રો અનુસાર, વિકાસ કામોના આયોજન માટે અત્યાર સુધી બે વાર બેઠકો યોજાઈ અને પ્લાનિંગ કરવામાં આવ્યું. પરંતુ સ્થાનિક રાજકીય નેતાઓની દખલગીરી અને પોતાના જ વિસ્તારનું કામ પહેલા થાય" તેવી જીદને કારણે બંને વાર થયેલા આયોજનોને પડતા મૂકવા પડ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર પણ આ રાજકીય દબાણ હેઠળ મક્કમ નિર્ણય લઈ શકતા ન હોવાથી કામો ખોરંભે પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
બોડેલીમાં દર વર્ષે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. સરકાર દ્વારા બે વર્ષથી નક્કર પગલાં લેવાની વાતો કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી ગટર વ્યવસ્થા કે પાણીના નિકાલ માટે કોઈ કામગીરી થઈ નથી. સ્થાનિક લોકોમાં એવો સૂર ઉઠ્યો છે કે શું તંત્ર ફરીથી બોડેલી પાણીમાં ડૂબે તેની રાહ જોઈ રહ્યું છે? ગામના અનેક વિસ્તારોમાં સારા રોડ રસ્તા નથી અને ગટરો ની સમસ્યા છે ત્યારે અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ લગાવવા માટેની ગ્રામજનોની માંગ કોઈ સાંભળતું નથી. 7 કરોડની ગ્રાન્ટ હોવા છતાં જો પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોય, તો નગરપાલિકા બનાવવાનો હેતુ શું? જો આગામી દિવસોમાં સત્વરે કામો શરૂ કરવામાં નહીં આવે, તો જનતા આંદોલનનો માર્ગ અપનાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

