ભાવનગરના શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ટ્રેક્ટર સાથે અથડાઈ, અકસ્માતમાં 2ના મોત, 3ને ગંભીર ઈજા
ગુજરાતના ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને લઈ જતી બસનો આજે શનિવારે ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્

ગુજરાતના ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને લઈ જતી બસનો આજે શનિવારે ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી રાજધાની નામની ટ્રાવેલ્સ બસમાં શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયા હતા. જેમાં લખનઉ-દિલ્હી હાઈવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો. આ ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોને તાત્કાલિક ગુજરાત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરવામાં આવી હતી.
2ના મોત, 3ને ગંભીર ઈજા
ગુજરાતથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભ થઈને હરિદ્વાર જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ભાવનગરના આશીષ ગોહિલ અને યજ્ઞેશ બારૈયા નામના વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે હિતેશ આહિર નામના યુવાનની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને અન્ય એક યુવકની સ્થિતિ ખૂબજ નાજુક હોવાથી વેન્ટીલેટર ઉપર છે. અકસ્માતની જાણ થતા જ એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ડબલ ડેકર બસ ભાઉજીપુરાના બિલ્બા પુલ પર પહોંચી હતી, ત્યારે બસના ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો અને બસ ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાઈ હતી. જેના કારણે મુસાફરો ગભરાટમાં આવી ગયા હતા. જ્યારે અકસ્માતની ઘટના મામલે સી.એમ.ઓ. ઓફિસમાં વાતચીત કરીને ભાવનગરના મૃતક યુવાનોને તાત્કાલિક ગુજરાત લાવવા માટેની કવાયત હાથ ધરી છે અને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાતચીત કરવામાં આવી છે.
બંને મૃતક યુવાનો ભાજપના કાર્યકર્તા હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતા જ શહેર ભાજપના યુવા મોર્ચાના મહામંત્રી કિશન મહેતા સહિતના અગ્રણીઓએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.






