Botad news: ઇકો અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 3 શ્રમિકોના કરૂણ મોત, 4 ગંભીર ઇજાગ્રસ્ત

બોટાદમાં રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતા ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ઈકો કારમાં મધ્યપ્રદેશના 10 જેટલા મજૂરો સવાર હતા, જેઓ કુંડળી ગામે જઈ રહ્યા હતા.
રાણપુર-ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત
મળતી માહિતી મુજબ, રાણપુર-ધંધુકા રોડ ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈકો કારમાં સવાર મૂળ મધ્યપ્રદેશના પનાલા ગામના શ્રમિકો રાણપુરના કુંડળી ગામે મજૂરી અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન કિનારા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી ટ્રક સાથે ટક્કર થઈ હતી.
અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે રાણપુર પોલીસ અને મામલતદાર સહિતના કાફલો સ્થળ પર દોડી પહોંચ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

