બોટાદમાં ઓઈલ મિલના માલિકનું અપહરણ, પોલીસ અપહરણકારોની પાછળ પડી, જુઓ પછી શું થયું

બોટાદમાં ગત ઓગષ્ટ મહિનામાં હીરાદલાલ સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ થયું હતું. તો હવે ઓઈલ મિલના માલિક યુવકનું અપહરણ થયું હતું. પોલીસ અપહરણકારોની પાછળ પડી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ભદ્રવડી ગામે આવેલી રાધે ઓઇલ મિલના મલિક વિપુલ શેઠ નામના યુવકનું અપહરણકારોએ ભદ્રવડી નજીકથી બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું.
ઘટનાની જાણ થતા પોલીસે વેપારીની શોધખોળ અને અપહરણકારોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી. અપહરણકારો આ યુવકને લઈને રાજકોટ તરફ ગયા હોવાની માહિતી મળતા પોલીસે અપહરણકારોનો પીછો કર્યો હતો.
પોલીસ પોતાની પાછળ પડી હોવાની જાણ થતા અપહરણકારો આ યુવકને રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સમઢીયાળા ગામ પાસે કારમાંથી ઉતારીને ફરાર થઇ ગયા હતા. બોટાદ એલસીબી પોલીસ આ યુવકને હેમખેમ પરત લઈને આવી હતી. આ અપહરણકારો કોણ હતા અને શા માટે આ યુવકનું અપહરણ કર્યું હતું એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.


