Bhavnagar/ સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આત્મહત્યાનો પ્રયાસ, બોટાદમાં સારવાર હેઠળ

ભાવનગર પોલીસમાં ફરજ બજાવતી અને હાલ સસ્પેન્ડ થયેલી મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. હાલ નયના બારૈયાને બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ આઈસીયુમાં બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, નયના બારૈયા છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિવાદોને કારણે ચર્ચામાં રહી હતી. તાજેતરમાં પ્રેમપ્રકરણ મામલે તેમના વિરુદ્ધ દાઠા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ પહેલા પણ એટ્રોસિટી કેસના ફરાર આરોપીને આશરો આપવાના મામલે તેઓ વિવાદમાં આવી જેલ ભોગવી ચૂકી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને નયના બારૈયાના ભાઈએ ભાવનગરના ડીવાયએસપી રીમાંબા ઝાલા પર ત્રાસ આપવાના આક્ષેપ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિનાથી હેરાનગતિ અને ખોટી ફરિયાદોના કારણે નયના બારૈયાએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. પરિવાર દ્વારા રીમાંબા ઝાલા સહિત સંડોવાયેલા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

