ભાવનગર લઠ્ઠાકાંડમાં મુખ્ય આરોપી સાથે ASP સ્ક્વોડના કોન્સ્ટેબલનું કનેક્શન ખુલ્યું, SMCએ કરી ધરપકડ

ભાવનગર લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની ASP સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગજુભા ગોહિલની લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી સાથે વાતચીત થયાનું સામે સામે આવતાં SMCએ તેની ધરપકડ કરી હતી. નોંધનીય છે આ મામલે પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.
મુખ્ય સૂત્રધાર સાથે મોબાઈલ કોલ ડિટેલથી ઘટસ્ફોટ
મળતી માહિતી અનુસાર, લઠ્ઠાકાંડની સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સહિત 38 આરોપીઓની ધરપકડ કરી ચૂકાઈ છે. SMC દ્વારા શંકાસ્પદ પોલીસ કર્મચારીઓના મોબાઈલના કોલ ડિટેલ રેકોર્ડ (CDR) ચકાસવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સાથે ફોન પર વાતચીત થઈ હોવાનું સામે આવ્યું હતું.આ મહત્વની કડી હાથ લાગતાં જ એસએમસીની ટીમે ગત (31મી ઓગસ્ટ) મોડી રાતે જ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની વિધિવત ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલને આજે (પહેલી સપ્ટેમ્બર) સાંજે કોર્ટમાં રજૂ કરાશે.
પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ
•એલસીબી પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા
•ભાવનગર રેન્જ આઇજીએ વરતેજ પોલીસ મથકના પીઆઇ એ.બી.પઢેરીયાને સસ્પેન્ડ કર્યા
•બીટ જમાદાર ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ
•ડી સ્ટાફના જયરાજસિંહ પ્રકાશસિંહ
•અનિરૂદ્ધસિંહ જયવંતસિંહ ગોહિલ
•ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ
ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 13 લોકો મોતને ભેટી ચૂક્યા છે, આ ઉપરાંત 60થી વધુ લોકો અસરગ્રસ્ત ગયા હતા અને મોતના સોદાગર સામે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનાચક્રમાં પ્રથમ એસએમસીએ મુખ્ય આરોપીઓ ગૌતમ સોલંકી, રઈશ અન્સારી, જતીન કાંબડ, સારસ સોલંકી, પારસ ઉર્ફે પપ્પુ ચુડાસમા, મનદીપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ગોહિલ, જયદીપ મકવાણા, હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ, વિવેક અલગોતર, ભાર્ગવ ભટ્ટ, કેવલ ઉર્ફે સાંગો સોલંકી, સુખદેવ સલાટ અને હાદક ઉર્ફે ટોંચો બારૈયાના રિમાન્ડની અવધિ પૂર્ણ થતા એસએમસી દ્વારા વધુ રિમાન્ડ ન મંગાતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

