VIDEO: ભરૂચમાં મેઘતાંડવ: ખાડીમાં પૂર આવતા શ્રમિકો ફસાયા, રાજપારડી પોલીસના જાંબાઝ કોન્સ્ટેબલે જીવના જોખમે કર્યું દિલધડક રેસ્ક્યુ!
સોર્સ : gstv
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પ્રથમ વરસાદમાં જ નદી-નાળા છલકાઈ જતાં ખેતરો અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભૂંડવા ખાડીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના લીધે રાજપારડી-અવિધા માર્ગ બંધ કરવો પડ્યો છે.અહીં નિર્માણાધીન પુલ પાસે પાણી ફરી વળતા ૩ ટ્રેક્ટર, ઇકો કાર અને મશીનરી ડૂબી ગયા હતા. આ પૂરના ધસમસતા પ્રવાહમાં કેટલાક શ્રમિકો ફસાયા હતા, જેમના માટે રાજપારડી પોલીસના કોન્સ્ટેબલ કિશનભાઈ વસાવા દેવદૂત બન્યા હતા. તેમણે પોતાના જીવનું જોખમ ખેડી તમામ શ્રમિકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. બીજી તરફ, જ્યોતિનગર અને શાસ્ત્રીનગરમાં પાણી ભરાતા સ્થાનિકોએ વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

