Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Case of scam worth Rs 3.19 crore in Chaswad Milk Company of Netrang

VIDEO / Bharuch: નેત્રંગના ચાસવડ દૂધ મંડળીમાં 3.19 કરોડના કૌભાંડનો મામલો, પશુપાલકોના નાણાં ઓળવી જનારાઓને 30 દિવસનું અલ્ટીમેટમ

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના નેત્રંગના ચાસવડ દૂધ મંડળીમાં થયેલા 3.19 કરોડના કૌભાંડ મામલે સહકારી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. તપાસ બાદ કુલ 1.69 કરોડની વસૂલાત માટે પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 17 ડિરેક્ટરોને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. કાયદાનું ઉલ્લંઘન કરી ખોટા બિલો દ્વારા પશુપાલકોના નાણાં ઓળવી જનારા આ હોદ્દેદારોને 30 દિવસમાં રકમ ભરપાઈ કરવા અલ્ટીમેટમ અપાયું છે. જો નિર્ધારિત સમયમાં 10 ટકા વ્યાજ સાથે નાણાં જમા નહીં થાય, તો તેમની મિલકતો ટાંચમાં લેવા સહિતની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

App Store

નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અંદાજે ₹3.19 કરોડની ગેરરીતિઓ સામે આવી હતી, જેની ઝીણવટભરી તપાસના અંતે કુલ ₹1,69,85,૮૭૭.૬૩ ની જંગી રકમની વસૂલાત માટે જે-તે સમયના કમિટી સભ્યો અને ડિરેક્ટરોને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સહકારી કાયદાની કલમ 93 હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં તપાસ અધિકારીએ પૂર્વ પ્રમુખ કવિ વસાવા અને ઉપપ્રમુખ અરવિંદ વસાવાને વ્યક્તિગત રીતે ₹18-18 લાખ તેમજ અન્ય 15 પૂર્વ ડિરેક્ટરોને સરેરાશ ₹8 થી ₹10 લાખ સુધીની રકમ ભરપાઈ કરવા હુકમ કર્યો છે. પશુપાલકોના પરસેવાની કમાણી પર તરાપ મારનારા આ હોદ્દેદારોએ આદિવાસી સમાજનો વિશ્વાસ તોડી માત્ર સત્તાનો દુરુપયોગ જ નથી કર્યો, પરંતુ સહકારી કાયદાના નિયમોને નેવે મૂકીને ગંભીર આર્થિક ગુનો આચર્યો છે.

આ કૌભાંડની વિગતો તપાસતા માલૂમ પડ્યું છે કે, સહકારી પરિપત્ર મુજબ માત્ર શેર સભાસદોને જ ₹750ની મર્યાદામાં ગિફ્ટ આપવાની જોગવાઈ હોવા છતાં, હોદ્દેદારોએ બિન-સભાસદોને પણ લહાણી કરી કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. એટલું જ નહીં, અનેક કિસ્સાઓમાં તો ગિફ્ટ લાવ્યા વિના જ માત્ર ખોટા બિલો રજૂ કરી ₹1.69 કરોડની રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ પશુપાલકો સાથે છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં ફલિત થયું છે. આ ગંભીર નાણાકીય ક્ષતિ બદલ તપાસ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ રકમ માટે સંસ્થા નહીં પણ હોદ્દાની રૂએ વ્યક્તિગત જવાબદારી રહેશે. આદેશ મુજબ, તમામ કસૂરવારોએ 1 એપ્રિલ 2024થી અમલી બને તે રીતે 10% વાર્ષિક વ્યાજ સાથે આ રકમ ચૂકવવી પડશે, જેના કારણે તેમના પર મોટો આર્થિક બોજ આવી પડ્યો છે.

તંત્ર દ્વારા તમામ 17 કસૂરવારોને 30 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે, તેઓએ આદેશ મળ્યાના એક માસની અંદર પોતાના હિસ્સાની રકમ મંડળીમાં જમા કરાવી તેની પાકી રસીદ મેળવી લેવી. જો નિર્ધારિત સમયમર્યાદામાં રકમ જમા કરવામાં કસૂરવાર ઠરશે, તો આગામી દિવસોમાં તેમની અંગત અસ્કયામતો અને મિલકતો ટાંચમાં લેવા સહિતની કાયદેસરની કડક ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પશુપાલકોના લોહી-પરસેવાના નાણાં ઓળવી જનારા તત્વો સામેની આ 'લાલ આંખ'થી સમગ્ર સહકારી આલમમાં એક દાખલો બેસશે અને ગરીબ આદિવાસી સભાસદોને ન્યાય મળશે તેવી આશા જાગી છે.