Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Farmers protest strongly against the work of Power Grid Corporation

Bharuch: હાંસોટમાં પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, યોગ્ય વળતરની માંગ સાથે કામગીરી અટકાવી

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Bharuch: હાંસોટમાં પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, યોગ્ય વળતરની માંગ સાથે કામગીરી અટકાવી
સોર્સ : GSTV

ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાખવામાં આવી રહેલી હાઈટેન્શન લાઇન સામે સ્થાનિક ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. જમીનના યોગ્ય વળતર મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી નારાજગી બાદ, આજે 100થી વધુ ખેડૂતોએ એકઠા થઈને ચાલી રહેલી કામગીરીને બળજબરીથી અટકાવી દીધી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના આક્રમક વલણને પગલે ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

App Store

મળતી માહિતી મુજબ, હાંસોટ પંથકના ઇલાવ ગામ સહિતના વિસ્તારોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈટેન્શન લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો જમીન પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય અને જમીનનું યોગ્ય વળતર ન મળે, ત્યાં સુધી તેઓ પાવર ગ્રીડની કોઈપણ કામગીરી ચાલવા દેશે નહીં. ખેડૂતોના આ હુંકારને પગલે હાલ પૂરતી કામગીરી થંભી ગઈ છે.

ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે પાવર ગ્રીડ લાઇન માટે તેમની કિંમતી જમીન લેવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં આપવામાં આવતું વળતર અત્યંત ઓછું અને અયોગ્ય છે. આ મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ સકારાત્મક નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકાર 'સમાન હક્કો'ની વાત કરે છે, તો પછી જમીન ગુમાવનાર ખેડૂતોને સમાન અને યોગ્ય વળતર કેમ મળતું નથી? તેઓએ વળતર અંગે પારદર્શક નીતિ લાવવા અને બજાર ભાવ મુજબ ચૂકવણી કરવાની માંગણી કરી છે.

ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે ખેડૂતોને વધુ યોગ્ય અને ઊંચું વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ જિલ્લામાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આ નીતિ અને તેના અમલ વચ્ચે મોટી અસંગતતા હોવાનું ખેડૂતો માની રહ્યા છે. આ ભેદભાવપૂર્ણ નીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના ઉગ્ર વિરોધ અને હંગામાને કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા અને હાલ પૂરતી સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.