VIDEO: જગાણાની એકલવ્ય સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગ: દાળ-ભાત ખાતા જ 10 વિદ્યાર્થીઓને ઊલ્ટી-પેટમાં દુખાવો, સિવિલમાં દાખલ
VIDEO: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા જગાણા ગામની એકલવ્ય મોડલ સ્કૂલમાં બપોરના ભોજન બાદ 10 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. મળતી વિગતો મુજબ, બપોરના સમયે વિદ્યાર્થીઓએ બપોરે દાળ-ભાત ખાધા હતા, જે બાદ તેમને ઊલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. અસરગ્રસ્ત તમામ 10 બાળકોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ સિવિલ સુપ્રિટેન્ડન્ટ સહિતની મેડિકલ ટીમ દ્વારા બાળકોની સારવાર કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ગામમાં આવેલી પ્રતિષ્ઠિત 'એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ'માં આજે ભોજન બાદ મોટી દુર્ઘટના સામે આવી છે. શાળામાં બપોરનું ભોજન લીધા બાદ અચાનક 10 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરે શાળાના મેસમાં વિદ્યાર્થીઓને ભોજનમાં દાળ-ભાત આપવામાં આવ્યા હતા. જમ્યાના થોડા જ સમયમાં એક પછી એક 10 બાળકોને અચાનક ઊલ્ટીઓ થવા લાગી હતી અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ ઉઠી હતી. શાળાના વહીવટી તંત્રે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તમામ અસરગ્રસ્ત બાળકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
તંત્ર દોડતું થયું
ઘટનાની જાણ થતા જ પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને તબીબોની વિશેષ ટીમ કાર્યરત થઈ ગઈ છે. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ બાળકોની હાલત સ્થિર છે પરંતુ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શાળામાં અપાયેલા ભોજનના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વાલીઓમાં શાળામાં અપાતા ભોજનની ગુણવત્તાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

