VIDEO : બનાસકાંઠાના દિયોદર નજીક વડાણા ગામ પાસે કાર-બાઇક અકસ્માત, પિતા-પુત્રના મોત, માતા ગંભીર
દિયોદરના વડાણા ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાવ થરાદ જિલ્લાના દિયોદર પંથકમાં સર્જાયેલા આ અકસ્માતમાં કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇક પર સવાર પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારની મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ એક પરિવાર મોટરસાયકલ પર વડાણા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી કાર સાથે ભયાનક અથડામણ સર્જાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાયકલના ચીંથરા ઉડી ગયા હતા અને પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે તપાસ હાથ ધરાઈ છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા મૃતક પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને માર્ગ સુરક્ષા અંગે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે. સતત બનતા અકસ્માતોને લઈ વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

