Gujaratમાં BLOની કામગીરી બની જીવલેણ, એકનું મોત, 2ની તબિયત લથડી

ગુજરાતમાં SIRની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ પર કામના ભારણની સતત ફરિયાદો વચ્ચે સુરતમાં વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO)નું શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચી ગયો છે. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા મહિલા અધિકારીનું અચાનક નિધન થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.મળતી માહિતી મુજબ, સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડિંકલ શીંગોડાવાળા નામની મહિલા અધિકારીનું મોત થયું છે. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
જામનગરમાં SIRની કામગીરી દરમિયાન એક મહિલા કર્મચારી થયા બેભાન
ગુજરાત રાજ્યના ચૂંટણી પંચના આદેશ મુજબ જામનગર જિલ્લામાં પણ હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી ચાલી રહી છે. જેમાં જામનગર શહેર અને જિલ્લાની વિવિધ શાળાઓના શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે. એવામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં સોમવારે (24 નવેમ્બર) સવારે 79 વિધાનસભા વિસ્તારમાં ફરજ બજાવતા એક શિક્ષિકા ચાલુ કામગીરી દરમિયાન બેભાન થઈ ગયા હતા. જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, જામનગરમાં સત્યમ કોલોની પાસે 79 વિધાનસભા વિસ્તારમાં SIRની કામગીરી દરમિયાન એક મહિલા કર્મચારી બેભાન થઈ ગઈ હતી. આ મહિલા મસીતીયા વાડી શાળામાં શિક્ષિકાની ફરજ બજાવનાર હિરલ ત્રિવેદી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેઓ બી.એલ.ઓ. (Booth Level Officer) તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમને એકાએક ચક્કર આવી જતા તે બેભાન થઈ ગયા હતા. જોકે, ઘટના બાદ તાત્કાલિક ધોરણે તેમને જામનગરની સરકારી જી. જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ, તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા બી.એલ.ઓના સ્વાસ્થ્યની તકેદારી માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલ, મહિલા બી.એલ.ઓની સ્થિતિ સ્થિર છે અને કોઈ ગંભીર બાબત સામે આવી નથી.
અમદાવાદમાં BLOની તબિયત લથડી
અમદાવાદમાં SIRની કામગીરી દરમિયાન BLO પરના કામના અતિશય ભારણને કારણે વધુ એક કર્મચારીની તબિયત લથડવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની દાણીલીમડા વિધાનસભા બેઠકના BLO તરીકે ફરજ બજાવતા શ્યામ મલેકની અચાનક બીપી અને ચક્કર આવવાની તકલીફ થઈ જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

