Video: દુષ્કાળ સહાયમાંથી રાજકોટને બાકાત રાખવાનો વિરોધ, ખેડૂતોમાં રોષ

રાજકોટ જિલ્લામાં દુષ્કાળ સહાયના મુદ્દે ખેડૂતોમાં રાજ્ય સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય પેકેજની જાહેરાત કરાઈ છે, પરંતુ રાજકોટ જિલ્લાને બાકાત રાખવામાં આવતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક ખેડૂત આગેવાનોએ સરકાર પર વહાલા-દવલાની નીતિ અપનાવવાનો આક્ષેપ કર્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ધોરાજી પંથકમાં માત્ર સાતથી આઠ ઈંચ વરસાદ પડતાં સોયાબીન, કપાસ, મગફળી અને તુવેરના પાકને ભારે નુકસાન થયું છે. પૂરતા વરસાદના અભાવે બોર અને કૂવાઓમાં પણ પાણી સુકાઈ ગયાં હોવાનો દાવો કરાયો છે. ખેડૂતો સહાય પેકેજની રકમ સામે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.








