VIDEO: વાઘોડિયામાં ક્રેન તૂટી પડતા મજૂરનું મોત, કંપનીની બેદરકારી બદલ પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી
VIDEO: વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDCમાં આવેલા ખાનગી કંપની મંગલમ્ સ્ટીલ કાસ્ટ પ્રાઈવેટ લિમિટેડ (યુનિટ-1)માં કામકાજ દરમ્યાન એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં માલસામાન ઉંચકવાની ક્રેન તૂટીને શ્રમિક યુવક પર પડતા આ યુવક ગુલાબસિંહ કલ્યાણસિંહ પરમારનું કરૂણ મોત થયું હતું. બેદરકારીને લીધે પોતાના વ્હાલસોયા દીકરાના મોત બાદ પરિવારમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જે બાદ પરિવારે કંપની સામે ગંભીર પ્રકારની બેદરકારીનો આક્ષેપ કરીને મજૂર યુવકના મૃતદેહને સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરિવાર અને ગ્રામજનોએ એકઠા થઈ ખાનગી કંપની સામે ન્યાયની માંગ સાથે વિરોધ અને ધરણાં શરૂ કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDCમાં સ્થિત મંગલમ્ સ્ટીલ કાસ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં લોખંડની વધુ વજન ધરાવતી ફર્નેશ ઉઠાવતા લોખંડની મસમોટી ક્રેન તૂટી કામદાર યુવક પર પડી હતી. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ગુલાબસિંહ કલ્યાણસિંહ પરમારને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. જે બાદ કંપની મેનેજમેન્ટ અકસ્માત અંગે પરિવારને જાણ ન કરી હોવાનો અને કંપની સેફ્ટી અંગેના નિયમોમાં બેદરકારી દાખવી હોવાથી યુવકનું મોત થયું. જે બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
કંપની પર ગંભીર પ્રકારની બેદરકારીના આક્ષેપ મૂકી ઘટનાથી રોષે ભરાયેલ ગામલોકોએ કંપની ધરણાં શરૂ કર્યા હતા. ત્રિકમપુરા ગામના 200 ઉપરાંતનુ ટોળું કંપની એકઠું થઈ જતા આખરે જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને સંભાળી લીધી હતી. જો કે, આ દરમ્યાન કંપની કામદાર અને સ્ટાફ કંપનીને તાળુંમારી છુમંતર થયા હતા.

