Anand news: આશા વર્કરોના ધર્માંતરણ મામલે ફિમેલ હેલ્થ વર્કરની બદલી, ધાર્મિક મિટિંગમાં ન જોડાય તો કરાતી હેરાનગતિ

આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ધર્માંતરણ માટે કર્મચારીઓને હેરાન કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે સૂચવે છે કે ધર્માંતરણના એજન્ટો હવે સરકારી કચેરીઓ સુધી પહોંચી ગયા છે. ખંભાત તાલુકાના બામણવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર (FHW) નમ્રતાબેન મેકવાન પર આક્ષેપ લાગ્યો છે કે તેઓ તેમના નેજા હેઠળની આશા વર્કર બહેનોને ધર્મ પરિવર્તન માટે માનસિક રીતે પરેશાન કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ધાર્મિક મિટિંગમાં ન જોડાય તો પગાર નહીં કરવાની ધમકી અપાતી
આશા વર્કર બહેનોએ ફરિયાદ કરી છે કે નમ્રતાબેન તેમને લેપટોપ પર ખ્રિસ્તી ધર્મના ભાષણો સંભળાવતા અને વડોદરા ખાતે ધાર્મિક મિટીંગોમાં લઈ જતા હતા. જો મિટિંગમાં ન જોડાય તો પગાર નહીં કરવાની ધમકી પણ આપતા હતા, અને 'બાપિસમા' (Baptism) ની વિધિ કરવા દબાણ કરતા હતા. ઇનકાર કરનાર આશા વર્કર બહેનોને પગાર મોડો આપવો, 5 વાગ્યા સુધી બેસાડી રાખવા અને વધારાનું કામ કરાવવું જેવી અનેક પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હતી. સમગ્ર મામલે આશા વર્કર બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરતા આખરે વિભાગ દ્વારા નમ્રતાબેન મેકવાનની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે.

