Anand: ધોરણ 11ની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં કર્યો આપઘાત; હોળી પ્રગટાવ્યા બાદ ભર્યું આ આત્મઘાતી પગલું

આણંદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તારાપુર તાલુકાના ફતેપુરા ગામની અને આણંદની પ્રતિષ્ઠિત ડી.એન. હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પિતાની એકની એક લાડલી દીકરીના અકાળે અવસાનથી ફતેપુરા ગામ અને શૈક્ષણિક જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગત રાત્રે આશરે 9:00 વાગ્યાના અરસામાં બની હતી. આણંદની ડી.એન. હાઈસ્કૂલ સંચાલિત કસ્તુરબા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલનામાં હોળી પ્રગટાવ્યા બાદ પોતાના રૂમમાં જઈ આ અંતિમ પગલું ભર્યું હતું. ઉચ્ચ અભ્યાસના સપના સાથે પરિવાર દ્વારા તેને ગત વર્ષે જ આણંદ મૂકવામાં આવી હતી. તે હોસ્ટેલના બ્લોક નંબર 57 માં રહીને અભ્યાસ કરતી હતી. એકાએક દીકરીએ કેમ આવું પગલું ભર્યું તે જાણી શકાયું નથી, જેના કારણે રહસ્ય ઘેરાયું છે.
ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકો અને સાથી વિદ્યાર્થીનીઓમાં દોડધામ મચી ગઈ હતી. જાણ થતા જ આણંદ પોલીસ અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી છે.

