અમરેલીમાં બીમાર સિંહે વનકર્મીઓ પર કર્યો હુમલો, રેસ્કયૂ ઓપરેશન વખતે ફોરેસ્ટર અને ટ્રેકર ઈજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાર પટોળી ગામે બીમાર સિંહનું રેસ્ક્યૂ કરવા ગયેલી વનવિભાગની ટીમ પર સિંહે અચાનક હુમલો કરી દેતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગતરાત્રે (26મી સપ્ટેમ્બર) સિંહને બચાવવાની કામગીરી દરમિયાન ઘટેલી આ ઘટનામાં વન વિભાગના કર્મચારી અને ટ્રેકર સિંહના હુમલાનો ભોગ બન્યા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ફોરેસ્ટર અને ટ્રેકર પર સિંહે ત્રાટકીને કર્યા ઈજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ, બાર પટોળી ગામના વાડી વિસ્તારમાં એક સિંહ બીમાર હાલતમાં હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ તેને બચાવવા અને રેસ્ક્યૂ કરવા માટે સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી હતી તે સમયે સિંહે અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ફોરેસ્ટર એમ. જે. ખાવડિયા અને ટ્રેકર ભરત જોગદિયા ઈજાગ્રસ્ત થયા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ટ્રેકરને ભાવનગર રિફર કરાયા
સિંહના હુમલા બાદ વનવિભાગના અન્ય કર્મચારીઓએ ત્વરિત કામગીરી કરી બંનેને બચાવી લીધા હતા. ઈજાગ્રસ્ત ફોરેસ્ટર એમ. જે. ખાવડિયાને સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે ટ્રેકર ભરત જોગદિયાને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વનકર્મીઓ પર હુમલાની ઘટનાની જાણ થતાં જ ડીસીએફ (DCF) સહિત વનવિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

