ભાઈને તરફડતો જોઈ બચાવવા દોડેલી 16 વર્ષીય બહેન પણ વીંટળાઈ ગઈ! અમરેલીમાં વીજ કરંટે લીધા બે સગા ભાઈ-બહેનના જીવ

અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામે એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. ભુપતભાઈ ગજેરાની વાડીમાં ખેત મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારના યુવાન ભાઈ-બહેનનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ભાઈ-બહેનના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છે. આ આકસ્મિક દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
આંબરડી ગામે વીજ કરંટથી ભાઈ-બહેનનું કરુણ મોત
પ્રાપ્ત વિગતો અનુસાર, આંબરડી ગામે ભુપતભાઈ ગજેરાની વાડીની ઓરડીમાં લાઈટ અને પંખા માટે વાયરિંગ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા આવેલા પવન અને વરસાદના કારણે આ વાયરિંગનો પ્રવાહ ઝટકા મશીનના વાયર સાથે અડી જવાથી ઓરડીમાં વીજ પ્રવાહ ચાલુ થઈ ગયો હતો. જો કે, આ અંગેની કોઈ જ જાણ બંને મજૂર ભાઈ-બહેન કે તેમના પરિવારજનોને નહોતી.
ઘટનાના દિવસે અચાનક 21 વર્ષીય યુવાન રાજુભાઈ કચરાભાઇ ભાભોર વીજ કરંટની ઝપેટમાં આવી ગયો હતો. પોતાના ભાઈને ગંભીર હાલતમાં જોઈને તેને બચાવવા માટે દોડી આવેલી તેની 16 વર્ષીય સગીર બહેન પણ વીજ કરંટની જપેટમાં આવી ગઈ હતી. આ અકસ્માતમાં બંને ભાઈ-બહેનનું કરૂણ મોત નીપજ્યું હતું.
આ કરૂણ બનાવની જાણ થતાં જ સ્થાનિક દામનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહનો કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં દામનગર પોલીસ દ્વારા પંચનામું કરવાની સાથે એફ.એસ.એલ. નો રિપોર્ટ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એક જ પરિવારના બે યુવા સંતાનોના અચાનક મોતથી પરિવારમાં ભારે રોકકળાટે અને શોકની લાગણી છવાઈ છે.

