Amreli news: બગસરા સિવિલ હોસ્પિટલના નવિનીકરણને 6 માસ પૂર્ણ છતાં લોકાર્પણ ન થતા હાલાકી

Amreli news: અમરેલી જિલ્લાના બગસરામાં સરકારી સિવિલ હોસ્પિટલનું સંપૂર્ણ નવિનીકરણ થઈ ગયું છે. જો કે, આ સિવિલને નવું થયાને પણ 6 મહિના થઈ ગયા હોવા છતાં તેનું લોકાર્પણ ન થતા જનતા અને આમ આદમી પાર્ટીમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોને હાલાકી વેઠવાની નોબત આવી છે. જેથી આપ પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક આપ નેતાએ સરકારને 15 દિવસમાં બગસરા સિવિલનું લોકાર્પણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સિવિલનું 15 દિવસમાં લોકાર્પણ નહિ થાય તો આમ આદમી પાર્ટી દ્વારા બગસરા સિવિલનું લોકાર્પણ કરી દેવામાં આવશે. આ માટે નાની બાળકીઓ અને શહેરના નાગરિકોના હસ્તે આપના કાર્યકર્તાઓ સિવિલનું લોકાર્પણ કરી બગસરા સિવિલ ખુલ્લું મૂકી દેવામાં આવશે.
મળતી વિગતો અનુસાર, અમરેલીના બગસરા ટાઉનના જૂના સિવિલને ફરીથી નવીન બાંધકામ અને રંગરોગાન અને નવા વિભાગોથી નવિનીકરણ કર્યાને 6 મહિના વિતી ગયા હોવા છતાં સરકારે આ સિવિલનું લોકાર્પણ નથી કર્યું જેથી આમ આદમી પાર્ટીએ બગસરા સિવિલ હોસ્પિટલના લોકાર્પણ માટે સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. અમરેલીના સ્થાનિક આપ પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયાએ આ માટે સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપી લોકાર્પણ કરવા જણાવ્યું છે. નહિતર નાની બાળકીઓ અને શહેરના નાગરિકોના હાથે આપ પાર્ટીના કાર્યકરો જાતે બગસરા સિવિલનું લોકાર્પણ કરી દેશે.

