Amreli News: બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો, ખાંભા-સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા

રાજ્યમાં ગરમીની સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 4 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે (28 જૂન) ભાવનગર, અમરેલી, દાહોદ, છોટા ઉદેપુર સહિતના છૂટાછવાયા સ્થળોને હળવાથી મધ્યમ વરસાદ થયો છે. જેમાં અમરેલીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ખાંભા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
અમરેલીમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસ્યો છે. જેમાં સાવરકુંડલાના ધાર, હીપાવડલી, કાત્રોડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

