Amreli news: ધારીમાં સસ્તું સોનું આપવાની લાલચ આપી મહિલા સાથે 10 લાખની છેતરપિંડી કરનાર 3 શખ્સો ઝડપાયા

Amreli news: અમરેલી જિલ્લામાં ઘણા સમયથી સસ્તા સોનાની લાલચ આપી શખ્સો દ્વારા લાખોની છેતરપિંડી થતી હોવાનું સામે આવી રહ્યું છે. આ ક્રમમાં ધારીમાં બે મહિના અગાઉ સસ્તું સોનું આપવાની લાલચ આપી મહિલા સાથે 6 શખ્સો દ્વારા 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. જેમાં અમરેલી એલસીબીએ અગાઉ 3 શખ્સોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અન્ય 3 આરોપીઓ 2 મહિનાથી નાસતા ફરતા હતા. જેને આજે અમરેલી એલસીબીએ ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી 9.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ આરોપીઓ જૂનાગઢ શહેરમાંથી સકંજામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અમરેલી પંથકમાં ધારી સહિતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સસ્તામાં સોનું આપવાની ચકચારી છેતરપિંડી થઈ રહી છે. જેને લઈ પોલીસ તંત્ર રાત દિવસ આરોપીઓને ઝડપી પાડવા સક્રિય હોય છે. છતાં લોકો આવા છેતરપિંડી આચરતા શખ્સોની વાતોમાં આવી જઈને નકલી સોનાના મણકા લઈને લાખો રૂપિયા શખ્સોને આપી દેતા હોય છે. લાલચમાં આવી પુરુષ હોય કે મહિલા પરંતુ આ ઠગાઈ કરતા લોકોની જમીન ખોદતા માટીના ઘડામાં સોનાના સિક્કા મળી આવ્યા અને ચકાસવા સાચા સોનાનો મણકો આપતા હોય છે અને બાદમાં પૈસાની લેવડ-દેવડ વખતે નકલી સોનાના મણકા આપીને છેતરપિંડી કરી જતા હોય છે.
સાચા સોનાની લાલચ આપી શખ્સો છેતરપિંડી આચરતા
આવો જ બનાવ ધારીમાં બે મહિના અગાઉ એક મહિલા સાથે બન્યો હતો. જેમાં મહિલાને ભોળવીને સોનાની લાલચ આપી 10 લાખનું સોનું આપવાની વાત કરી 6 શખ્સો છેતરપિંડી આચરી પલાયન થઈ ગયા હતા. જે બાદ અમરેલી એલસીબીએ આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કરી 3 આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે 3 આરોપીઓ જેઓ નાસતા ફરતા હતા તેઓ રાજેશ જીવન સોલંકી, મોહન ગંગારામ વાઘેલા અને ગોવિંદ રાઠોડ રહે. જૂનાગઢને ઝડપી પાડ્યા હતા.આ તમામ આરોપીઓને ઝડપી પોલીસે ધારી પોલીસને સોંપ્યા હતા. જે બાદ અગાઉ ક્યાય છેતરપિંડી કરી છે કે નહીં તેને લઈને ધારી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

