Ahmedabad news: કારની ટક્કરથી યુવક બ્રિજ પરથી નીચે પટકાતા મોત, 20 મીટર દૂર જ દેશી દારૂનો VIP સુવિધાવાળો અડ્ડો

અમદાવાદ શહેરના બલોલનગર બ્રિજ પર શુક્રવારે રાત્રે હીટ એન્ડ રનની ઘટના બની હતી. એક દંપતિ દુકાનેથી ઘરે જઇ રહ્યુ હતું. ત્યારે બ્રિજ પરથી પસાર થતી વખતે કારચાલકે ટક્કર મારી હતી. ટક્કર વાગતા મહિલા રોડ પર પટકાઇ હતી, જ્યારે મહિલાનો પતિ પુલ પરથી નીચે પટકાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું. સ્થાનિક લોકો અને ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવક પટકાઇને જે જગ્યાએ પડ્યો હતો, ત્યાં 20થી 30 મીટર દૂરથી જ દેશી દારૂનો અડ્ડો હતો. ખુદ ટ્રાફિક પોલીસ અહીં મોટી માત્રામાં દેશી દારૂની ખાલી કોથળીઓ જોઇને નવાઇ પામી હતી.
દુકાન બંધ કરી ઘરે જતી વખતે નડ્યો અકસ્માત
ચાંદખેડા જનતાનગરમાં રહેતા 28 વર્ષીય કિશનભાઇ વછેટા ઇનકમટેક્ષ પાસે દુકાનમાં વેપાર કરતા હતા. ગત શુક્રવારે રાત્રે કિશનભાઇ દુકાન બંધ કરીને પત્ની સાથે એક્ટિવા લઇને ઘરે જવા નીકળ્યા હતા. દંપતિ બલોલનગર બ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યુ હતું, ત્યારે એક કારચાલકે ટક્કર મારતા કિશનભાઇ હવામાં ફંગોળાઇને બ્રિજ પરથી નીચે પટકાયા હતા, જ્યારે તેમના પત્ની ઇજાગ્રસ્ત હાલતમાં પુલ પર જ પટકાયા હતા.
ઘટનાસ્થળે હાજર લોકોએ કિશનભાઇના પરિવારને જાણ કરી હતી અને બંનેને સારવાર માટે ખસેડ્યા હતા. સારવાર દરમિયાન કિશનભાઇને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આમ, આ ઘટનામાં પાંચ વર્ષના બાળકે તેના પિતા ગુમાવતા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉચ્ચ અધિકારીઓ કેમ પગલાં લેતા નથી?
સ્થાનિક લોકોનું કહેવું છે કે શુક્રવારે બનેલી અકસ્માતની ઘટનામાં કિશનભાઇ બ્રિજ પરથી નીચે પટકાયા તે જગ્યાથી આશરે 20-30 મીટર દૂર દેશી દારૂનો અડ્ડો ધમધમે છે. અગાઉ આરોપીને ભગાડી મૂકવાના વિવાદમાં સપડાયેલા વસ્ત્રાપુરના કોન્સ્ટેબલ અને એક કુળદિપકની જોડી સાથે રાજકીય સંપર્કો ધરાવતા યુવરાજની મંજુરીથી દેશી અને વિદેશી શરાબની હાટડીઓ ધમધમી રહી છે. છતાં, કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પગલાં નથી લઇ રહ્યા. સ્થાનિકોની સાથે ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં દેશી દારૂની ખાલી કોથળીઓ જોઇને સ્તબ્ધ થઇ ગઇ હતી.

