VIDEO: સાણંદ: ડરણ ગામમાં પાઇપલાઇન વિવાદનો સુખદ અંત
સાણંદના ડરણ ગામે ખેડૂતોના ખેતરમાં પાણી નિકાલની પાઇપલાઇન નાખવાના મામલે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા વળતર આપ્યા વિના અને જાણ કર્યા વગર ખેતરોમાં પાઇપલાઇન નાખવાની કાર્યવાહીનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, જેને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી સહિતના આગેવાનોનું સમર્થન પણ મળ્યું હતું. સ્થિતિની ગંભીરતાને જોતા સાણંદ-બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતો અને મહિલાઓ વચ્ચે પહોંચ્યા હતા. ખેડૂતોની વેદના સાંભળી ધારાસભ્યએ જાહેરમાં ખાતરી આપી હતી કે, હાલ ખેતરમાં કરવામાં આવેલું ખોદકામ તાત્કાલિક પુરાવી દેવામાં આવશે અને પાણીના નિકાલ માટે અન્ય વૈકલ્પિક રસ્તો શોધવામાં આવશે. ધારાસભ્યના આ નિર્ણયને ખેડૂતોએ વધાવી લીધો હતો. વધુમાં, ખેડૂતોના હિત માટે જે પણ રજૂઆત કરવાની જરૂર પડશે તેમાં સાથે રહેવાની ખાતરી પણ તેમણે આપી હતી, જેનાથી ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.

