VIDEO: અમદાવાદના કઠવાડા GIDCમાં AMCનો સપાટો, અભિનંદન ટ્રેડર્સમાંથી 3000 કિલો જીવાતવાળા અખાદ્ય કાજુનો જથ્થો જપ્ત
VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે આજે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કઠવાડા GIDCમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ચોક્કસ બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમે 'અભિનંદન ટ્રેડર્સ' નામના યુનિટ પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી 3,000 કિલો હલકી ગુણવત્તાના અને અખાદ્ય કાજુનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
જીવાતવાળા કાજુ અને લાયસન્સનો અભાવ
AMC ફૂડ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે ચિરાગ ઠક્કર નામની વ્યક્તિ આ યુનિટ ચલાવતી હતી. આશ્ચર્યની વાત એ છે કે, કાજુ પ્રોસેસિંગ માટેનું કોઈ પણ પ્રકારનું લાયસન્સ કે રજીસ્ટ્રેશન આ યુનિટ પાસે ન હતું. અધિકારીઓને તપાસ દરમિયાન કાજુના જથ્થામાં જીવાત પણ જોવા મળી હતી, જે માનવ આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
રાજસ્થાન અને MPથી આવતો હતો જથ્થો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ અખાદ્ય કાજુનો જથ્થો ગુજરાત બહારના રાજ્યો જેવા કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી મંગાવવામાં આવતો હતો. બહારથી મંગાવેલા આ ખરાબ જથ્થાને ફરીથી વેચાણ લાયક બનાવવા માટે યુનિટમાં હીટિંગ (ગરમ કરવાની) સહિતની પ્રક્રિયા કરવામાં આવતી હતી. ત્યારબાદ આ કાજુના ટુકડા અને ભૂખો માર્કેટમાં છૂટક વેપારીઓને વેચવામાં આવતો હતો.
મીઠાઈમાં વપરાશની શક્યતા
AMCના એડિશનલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ડૉ. તેજસ શાહે જણાવ્યું હતું કે, "જપ્ત કરાયેલા કાજુનો ભૂખો ખરેખર કેટલ ફીડ (પશુ આહાર) તરીકે વપરાતો હોવાનું જણાયું છે, પરંતુ વેપારીઓ તેને હલકી ગુણવત્તાની મીઠાઈ બનાવવામાં વાપરતા હોય તેવી શક્યતા નકારી શકાય નહીં." હાલમાં AMC એ આખું યુનિટ સીલ કર્યું છે અને મૂળ માલિક ફરાર હોવાથી વધુ તપાસ તેજ કરી છે.

