Ahmedabad Crime News: શાહપુરમાં 28 વર્ષીય યુવક પર બોથડ પદાર્થથી હુમલો, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

Ahmedabad Crime News: અમદાવાદના શહેરના કોટ વિસ્તારમાં આવેલા શાહપુર વિસ્તારમાં મોડી રાત્રે હિંસક ઘટના સામે આવી છે. શાહપુરના રેંટિયાવાડી બસસ્ટેન્ડ પાસે એક 28 વર્ષીય યુવક પર બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
ઘટનાની વિગતો
મળતી માહિતી મુજબ, 28 વર્ષીય અમર ઉર્ફે સબર નામનો યુવક જ્યારે રેંટિયાવાડી બસસ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ બોથડ પદાર્થનો ઉપયોગ કરીને યુવકને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ યુવક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ શાહપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ગંભીર રીતે ઈજા પામેલા અમર ઉર્ફે સબરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. શાહપુર પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ (Attempt to Murder)નો ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અંગત અદાવત કે અન્ય કોઈ કારણસર આ હુમલો થયો છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

