VIDEO: અમદાવાદના દરિયાપુરમાં 23.10 લાખની ઘરફોડ ચોરી કરનાર આરોપી સકંજામાં
VIDEO: અમદાવાદ શહેરમાં દરિયાપુર વિસ્તારમાં શિયાળાની ઠંડી અને પાછલી રાત્રિમાં ઘરફોડ ચોરી કરનાર આરોપી પોલીસના હાથે ઝડપાયો છે. શ્રેય પંચાલ નામનો આરોપી રૂપિયા 23.10 લાખની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જેથી પોલીસે રાત દિવસ એક કરીને આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી 13.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના વિવિધ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીઓના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ પોલીસને પણ રાત્રિના ઉજાગરા વધી ગયા હતા. આરોપી દરિયાપુર સહિતના વિસ્તારમાં રાત્રિના સુમારે ઘરફોડ ચોરીને આબાદ રીતે અંજામ આપી અંધકારમાં વિલીન થઈ જતો. જો કે, પોલીસે કરેલા ઉજાગરા અને મહેનત આખરે કામ લાગીને આ ઘરફોડ ચોરીઓ આચરનાર આરોપી સિફતપૂર્વક ઝડપાયો હતો. આરોપી શ્રેય પંચાલ સુથારી કામ કરતો અને ચોરીઓની ફરિયાદ કરનારને પરીચિત હોવાનો પણ ચકચારી ખુલાસો થવા પામ્યો હતો.
આ આરોપીને ફરિયાદીએ પોતાના નવા ઘરના વાસ્તુનું આમંત્રણ આપીને બોલાવ્યો હતો. આ ઉપરાંત આરોપીએ ફરિયાદીના ઘરમાં સુથારી કામ કર્યું હોવાથી ઘર અંગે માહિતગાર હતો. ફિયાદી નીરવ પ્રજાપતિએ ઘરફોડ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દરિયાપુર પોલીસે આરોપીને ઝડપી લઈ તેની પાસેથી મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. ત્યારબાદ આરોપી અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

