VIDEO: અમદાવાદમાં મતાધિકાર પર તરાપ? દાણીલીમડાના 1000થી વધુ મતદારોના નામ ગાયબ થતા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો
VIDEO: અમદાવાદમાં આગામી સમયમાં આવનારી ચૂંટણીઓ પહેલા જ રાજકારણ ગરમાયું છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં 1,000થી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી અચાનક ગાયબ થઈ જવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે. આ બાબતે વિરોધ પક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણ મોટી સંખ્યામાં મતદારો સાથે ઈસનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
ભાજપ સામે ફોર્મ-7ના દુરુપયોગનો આક્ષેપ
શેહઝાદ ખાન પઠાણે આરોપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વ્યવસ્થિત કાવતરું રચીને ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યા હતા, જેના પરિણામે હજારો મતદારોના નામ કમી થઈ ગયા છે. ખાસ કરીને ચંડોળા તળાવના અસરગ્રસ્તો, જેઓ વર્ષોથી ત્યાં રહે છે, તેમના નામો જાણીજોઈને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરની માંગ
શેહઝાદ ખાન પઠાણ અસરગ્રસ્ત મતદારો સાથે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા હતા અને જવાબદાર ભાજપ કાર્યકર્તાઓ સામે તત્કાલ FIR દાખલ કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આ લોકશાહીની હત્યા છે. ગરીબ મતદારોનો મતાધિકાર છીનવી લેવાનું આ કાવતરું અમે સાંખી નહીં લઈએ." હાલમાં પોલીસે આ મામલે રજૂઆત સ્વીકારીને વધુ તપાસ હાથ ધરી છે. જો મતદાર યાદીમાં સુધારો કરવામાં નહીં આવે તો વિપક્ષ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

