Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Think about shopping while seeing tempting ads on social media

સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો જોઈને શોપિંગ કરતા પહેલા વિચારજો, 2 લોકો સાથે થઈ છેતરપિંડી

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો જોઈને શોપિંગ કરતા પહેલા વિચારજો, 2 લોકો સાથે થઈ છેતરપિંડી
સોર્સ : GSTV

અમદાવાદમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર કોસ્મેટિક પ્રોડક્ટ્સ અને કપડાંની આકર્ષક જાહેરાતો જોઈને ઓર્ડર આપવા જતાં બે અલગ-અલગ કિસ્સામાં એક યુવક અને એક યુવતીએ કુલ 58 હજાર રૂપિયાથી વધુની રકમ ગુમાવી છે. આ અંગે વાસણા અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે.

App Store

વાસણાના વેપારી સાથે રૂ. 35 હજારની છેતરપિંડી

મળતી માહિતી અનુસાર, વાસણા વિસ્તારમાં રહેતા અને સોલાર પેનલનો બિઝનેસ કરતા 24 વર્ષીય જૈનિશકુમાર જોષી ગત 20મી એપ્રિલના રોજ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા. આ દરમિયાન કોસ્મેટિક વસ્તુઓની એડ જોઈ લિંક પર ક્લિક કરતા ટેલિગ્રામ ઓપન થયું હતું.

ગઠિયાઓએ પહેલા રજીસ્ટ્રેશનના નામે 199 રૂપિયા અને ત્યારબાદ પ્રોડક્ટ ઓર્ડર તથા મેમ્બરશીપના નામે 1500 અને 8777 રૂપિયા પડાવ્યા હતા. યુવકે જ્યારે પોતાનું બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેની જાણ બહાર 8777, 7000 અને 8777 રૂપિયાના ત્રણ ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા. આ રીતે ટુકડે-ટુકડે કુલ 35,030 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.

દાણીલીમડાની યુવતીએ કપડાંના ઓર્ડરમાં રૂ.23 હજાર ગુમાવ્યા

દાણીલીમડામાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 27 વર્ષીય યુવતીએ 15 એપ્રિલના રોજ ઈન્સ્ટાગ્રામ પર 'H & M WOMAN GARMENTS' નામની પ્રોફાઈલ પરથી 1000  રૂપિયાના કપડાંનો ઓર્ડર આપ્યો હતો. ઠગે બિલીંગ પ્રોસેસ અટકી ગઈ હોવાનું અને જીએસટી રિફંડના બહાના કાઢીને વિશ્વાસ જીતવા નકલી ઈન્વોઈસ મોકલ્યું હતું.

રિફંડ કાર્ડ રિન્યુ કરવા અને અન્ય ટેકનિકલ કારણો આપી યુવતી પાસેથી વારંવાર પેમેન્ટ કરાવ્યું હતું. યુવતી પાસેથી કુલ 23,040 રૂપિયા પડાવી લીધા બાદ વધુ 11,500 રૂપિયાની માંગણી થતા તેને છેતરાયાનો અહેસાસ થયો હતો.

આ બંને કિસ્સામાં ભોગ બનનારાઓએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર નિષ્ણાતો સોશિયલ મીડિયા પર અજાણી લિંક પર ક્લિક ન કરવા અને કોઈપણ ઓનલાઇન પેમેન્ટ કરતા પહેલા તેની વિશ્વસનીયતા તપાસવા લોકોને સલાહ આપી રહ્યા છે.