2000ની ઈ-સિગારેટનો શોખ 5 લાખમાં પડ્યો: થલતેજમાં કાફે બહારથી MBA ના બે વિદ્યાર્થીઓ ઝડપાયા

અમદાવાદના થલતેજ વિસ્તારમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ રાખવાના મામલે બોડકદેવ પોલીસે MBAનો અભ્યાસ કરતા બે 21 વર્ષીય વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસ દરમિયાન તેમની કારમાંથી આશરે ₹2,000ની કિંમતની ઈ-સિગારેટ મળી આવી હતી. જોકે, વાહનના જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહેતાં પોલીસે ₹5 લાખની મહિન્દ્રા XUV500 કાર પણ જપ્ત કરી હતી. આ ઉપરાંત બે મોબાઇલ ફોન સહિત કુલ ₹5.8 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 14 નવેમ્બરની રાત્રે આશરે 10 વાગ્યે બંને વિદ્યાર્થીઓ થલતેજના સેન્ટ જ્યુડ ચર્ચ રોડ પર આવેલા 'કામેલો કાફે' (Camelo Cafe) બહાર ડાર્ક પર્પલ રંગની XUV500 કારમાં બેઠા હતા. આ દરમિયાન રૂટિન પેટ્રોલિંગ કરી રહેલી બોડકદેવ પોલીસની નજર કાર પર પડી હતી. ડ્રાઇવરે કારનો કાચ નીચે ઉતારતાં પોલીસને સિગારેટના ધુમાડાની તીવ્ર વાસ આવી હતી. ત્યારબાદ પંચોની હાજરીમાં કારની તપાસ કરવામાં આવી હતી.
કારમાંથી ઈ-સિગારેટ મળી
તપાસ દરમિયાન કારના ડેશબોર્ડના સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટમાંથી 'એલ્ફબાર રાયા ડી3 પ્રો' (Elfbar Raya D3 Pro) નામની ઈ-સિગારેટ મળી આવી હતી. તેની કિંમત આશરે ₹2,000 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને યુવકોની પૂછપરછ કરતાં તેઓ ઈ-સિગારેટ રાખવા અંગે કોઈ લાયસન્સ કે પરવાનગી રજૂ કરી શક્યા નહોતા. બંને વિદ્યાર્થીઓ સેટેલાઇટ અને પાલડી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
₹5.8 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ઈ-સિગારેટ ઉપરાંત ₹5 લાખની XUV500 કાર અને ₹45,000 તથા ₹35,000ની કિંમતના બે મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે. આમ, જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત આશરે ₹5.8 લાખ થાય છે. આ મામલે બોડકદેવ પોલીસે 'પ્રોહિબિશન ઓફ ઈલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ, 2019' (Prohibition of Electronic Cigarettes Act)ની કલમ 7 અને 8 હેઠળ FIR નોંધી છે. ઉલ્લેખનીય છે કે આ કાયદા હેઠળ ઈ-સિગારેટનું ઉત્પાદન, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ, વિતરણ, સંગ્રહ અને જાહેરાત પર પ્રતિબંધ છે. બંને વિદ્યાર્થીઓ ઈ-સિગારેટ ક્યાંથી લાવ્યા હતા અને તે અંગત ઉપયોગ માટે હતી કે કોઈ સપ્લાયર પાસેથી મેળવી હતી, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






