Video: નવસારીના દાંડી વિસ્તારમાં દિપડાથી ભયનો માહોલ

નવસારીના ઐતિહાસિક દાંડી વિસ્તારમાં દીપડાની અવરજવરથી સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. મેમોરિયલથી થોડે દૂર સ્ટેટ હાઈવે નજીકની ઝાડીઓમાં એક દીપડી અને તેના બે બચ્ચા કેમેરામાં કેદ થયા છે. હાલ દિવાળીના તહેવારો અને વેકેશન હોવાને કારણે મીઠા સત્યાગ્રહ ભૂમિ દાંડી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સાંજના સમયે દીપડાની આ પ્રકારે ખુલ્લેઆમ અવરજવર થવાથી લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાનો વિડિયો સામે આવતા સુરક્ષાના ભાગરૂપે વન વિભાગ ત્વરિત હરકતમાં આવ્યું છે. પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે આ દીપડાના ત્રાસથી મુક્તિ અપાવવા માટે સતત નજર રાખવામાં આવી રહી છે.
જાહેરાત






