VIDEO: અમદાવાદના દરિયાપુરમાં દેખાયો દુર્લભ 'રેડ સેન્ડ બોવા' (આંધળી ચાકળ) સાપ, સફળ રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કરાયો
અમદાવાદના દરિયાપુર દરવાજા ખાતે આવેલા કોમ્યુનિટી હોલ પાસે રેતીના ઢગલામાં રેડ સેન્ડ બોવા (આંધળી ચાકળ) જોવા મળતાં સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક એનિમલ લાઇફ કેરના વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ વિજય ડાભીનો સંપર્ક કર્યો હતો.
માહિતી મળતા જ વિજય ડાભી ઘટનાસ્થળે પહોંચી સુરક્ષિત રીતે રેડ સેન્ડ બોવાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ બાદ સાપને તેના કુદરતી નિવાસસ્થાન એવા જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.
આ અંગે વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ વિજય ડાભીએ જણાવ્યું હતું કે રેડ સેન્ડ બોવા એક બિનઝેરી સાપ છે. તેના વિશે લોકોમાં અનેક ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ પ્રચલિત છે, જેના કારણે આ સાપ ઘણી વખત અંધશ્રદ્ધાનો ભોગ બને છે. ઘણા લોકો તેને બે મોઢાવાળો સાપ માને છે, પરંતુ હકીકતમાં તેને માત્ર એક જ મોઢું હોય છે. તેની પૂંછડીનો ભાગ માથા જેવો દેખાતો હોવાથી લોકોમાં આ ભ્રમ ફેલાયો છે.
તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે આવા સાપ જોવા મળે તો ગભરાશો નહીં કે તેને કોઈ નુકસાન પહોંચાડશો નહીં. તેના બદલે તરત જ પ્રશિક્ષિત રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગને જાણ કરી વન્યજીવોના સંરક્ષણમાં સહભાગી બનવું.

