Ahmedabadના અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ; વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત

રાજ્યમાં મેઘરાજાની કાગડોળે રાહ જોવાઈ રહી છે, ત્યારે આજે મોડી સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરના વેજલપુર, સરખેજ, શ્યામલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ખેડૂતો હાલ આગોતરી ખેતીના કામોમાં જોતરાયા
બીજી તરફ, બગોદરામા પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે. સિઝનના આ પહેલા ધીમી ધારે શરૂ થયેલા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ સાથે જ ધોલેરા પંથકમાં પણ મેઘમહેર થતાં વાતાવરણ આહલાદક બની ગયું છે. વરસાદના આગમનની સાથે જ ખેડૂતો હવે આગોતરી ખેતીના કામોમાં જોતરાઈ ગયા છે.
નૈઋત્યનું ચોમાસું સ્લો-મોશનમાં આવી ગયું
હવામાન વિભાગ મુજબ પશ્ચિમના દરિયાકાંઠે 8 જૂનથી જ નૈઋત્યનું ચોમાસું સ્લો-મોશનમાં આવી ગયું છે. બંગાળની ખાડીમાં કોઈ મજબૂત ડિપ્રેશન(વરસાદી સિસ્ટમ) ન સક્રિય થવાને કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે, જેને લીધે ચાલુ વર્ષે વરસાદ માટે હજુ વધુ થોડા દિવસો રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની નવી આગાહી મુજબ ગુજરાતમાં નિયમિત ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે. ૧૭ થી ૨૩ જૂન દરમિયાન રાજ્યમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેતા માત્ર બે દિવસ હળવા વરસાદની શક્યતા છે. ૧૭ જૂને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે, જ્યારે ૧૮ જૂને મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં હળવો વરસાદ પડી શકે છે.હાલ ઉત્તર પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવા છતાં ગરમીનું જોર યથાવત છે, જેમાં અમદાવાદમાં ૪૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

