મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી રેલવેનો મોટો નિર્ણય; અમદાવાદ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ રદ કરાઈ

દિલ્હીમાં વિરોધ પક્ષો દ્વારા 10મી ઓક્ટોબરના રોજ આયોજિત દેખાવો અને ચક્કાજામની શક્યતાને પગલે ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. રેલવે દ્વારા જાહેર કરાયેલી આકસ્મિક યોજના (Contingency Plan) હેઠળ અમદાવાદથી ઉપડતી પ્રતિષ્ઠિત ટ્રેન નંબર 12957 સાબરમતી (અમદાવાદ)-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસને રદ કરવામાં આવી છે.ઇતિહાસ વાંચો
ટ્રાફિક જામ અને મુસાફરોની હાલાકી અટકાવવા અગમચેતીનું પગલું
દિલ્હી ટ્રાફિક પોલીસની એડવાઈઝરી મુજબ, 10મી ઓક્ટોબરે સવારે 4.00થી બપોરે 2.00 વાગ્યા દરમિયાન નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનની આસપાસ ભારે ટ્રાફિક જામ અને માર્ગો બંધ રહેવાની શક્યતા છે. તાજેતરમાં આવા જ વિરોધ દરમિયાન રસ્તા બંધ હોવાથી લગભગ 5 હજાર જેટલા મુસાફરો સમયસર સ્ટેશને પહોંચી શક્યા નહોતા અને ટ્રેન ચૂકી ગયા હતા. આવી અફરાતફરી અને મુસાફરોની હાલાકી ફરી ન સર્જાય તે હેતુથી સરકારે 'પેસેન્જર ફર્સ્ટ' અભિગમ અપનાવી અગમચેતીરૂપે આ પગલું ભર્યું છે.
નવમી ઓક્ટોબરે બપોરે 2.00 વાગ્યા પછી પ્રારંભિક સ્ટેશનથી રવાના થઈને 10મી ઓક્ટોબરની સવારે 4.00થી બપોરે 2.00 વાગ્યા વચ્ચે દિલ્હી પહોંચતી તમામ મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ નિર્ણય હેઠળ અમદાવાદથી નવી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસને પણ તેના પ્રારંભિક સ્ટેશનથી જ રદ કરી દેવામાં આવી છે.
મુસાફરો માટે રેલવેની ખાસ સલાહ
રેલવે પ્રશાસને મુસાફરોને અસુવિધા ટાળવા માટે ઘરની બહાર નીકળતાં પહેલાં પોતાની ટ્રેનનું સ્ટેટસ ચકાસી લેવા અને રેલવે હેલ્પલાઇન અથવા સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

