Ahmedabadમાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી, 46 ખાદ્ય નમૂના અનસેફ; આ ચાર એકમોને કરાયા સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ વિભાગ દ્વારા જૂન મહિના દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના 709 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 46 નમૂના અનસેફ (અસુરક્ષિત) તેમજ સબસ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાના) જાહેર કરાયા છે. અનસેફ જાહેર થયેલા 2 નમૂનાના ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ' હેઠળ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. જ્યારે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા 44 નમૂનાના કિસ્સામાં સંબંધિત ઓપરેટરો સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
કયા-કયા સેમ્પલ સબસ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર થયા?
હેલ્થ વિભાગે જાહેર કરેલા 46 અયોગ્ય નમૂનાઓમાંથી 21 સેમ્પલ પશ્ચિમ અમદાવાદના અને 25 સેમ્પલ પૂર્વ અમદાવાદના છે. અનસેફ જાહેર થયેલા એકમો: વટવાના મહાલક્ષ્મી તળાવ પાસે આવેલા 'વીર આઝાદ કોલ્ડ્રિંક્સ ફ્રેશ જ્યુસ'માંથી લેવાયેલું કાલા ખટ્ટા શરબત અને રખિયાલ રોડ પરના 'જય અંબે ભોજનાલય'માંથી લેવાયેલી ગ્રેવી અનસેફ જાહેર કરાઇ છે.
સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા એકમો: બાપુનગરના 'જય જલારામ પરોઠા હાઉસ'માંથી પનીર, નવરંગપુરાના 'જ્હોની દા ઢાબા'માંથી પ્રોસેસ્ડ ચીઝ, પાલડીના 'જય અંબે ઓર્ગેનિક'માંથી લવિંગ તેમજ સરખેજના 'હોટેલ સનરાઇઝ'માંથી લેવાયેલો હળદર પાવડર સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે.
નિયમોના ભંગ બદલ 545 એકમોને નોટિસ, 10.29 લાખ રૂપિયાનો દંડ
શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 1,877 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી, જે દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 545 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, આશરે 2,748 કિલોગ્રામ અને 1,269 લીટર જેટલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો હતો. સમગ્ર કામગીરી દરમિયાન કુલ 10.29 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. વપરાશમાં લેવાતા તેલની ગુણવત્તા ચકાસવા માટે 387 TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ) ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સિવાય, 22,500 રૂપિયાની કિંમતનો 450 કિલો પાર્સલ ચૂનો અને 73,660 રૂપિયાની કિંમતનો 508 કિલો રીફાઇન્ડ કપાસિયા તેલનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો.
ગંદકી અને જીવાત મળતા 4 એકમો સીલ કરાયા
જૂન મહિનામાં ચેકિંગ દરમિયાન અત્યંત ગંદકી અને જીવાત મળી આવતા 4 વ્યાપારી એકમોને સીલ કરી દેવાયા છે.
કોફી સ્ટેન્ડ (વિજય ચાર રસ્તા, નવરંગપુરા): કિચનના અંદરના ભાગમાંથી જીવાત મળી આવી હતી.
મુન્ના ચાઇનીઝ એન્ડ મુગલાઇ (સોનલ સિનેમા રોડ, મક્તમપુરા વોર્ડ): તપાસ દરમિયાન ભારે ગંદકી જોવા મળી હતી.
શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ (હીંગળાજ માતા મંદિર પાસે, કઠવાડા): અસ્વચ્છતાના કારણે સીલ કરાયું.
શ્રી વૃષ્ટિ ટ્રેડિંગ (કઠવાડા): પાર્સલ ચૂનાનો ધંધો કરતા આ એકમમાં ગંદકી મળતા સીલની કાર્યવાહી કરાઇ.

