ગુજરાત યુનિવર્સિટીની લાલીયાવાડી!, 'પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ 23 દિવસમાં અને મુખ્ય પરીક્ષાનું 3 મહિને ઠેકાણા નહીં?'

ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુનિયર અને સિનિયર ક્લાર્ક પદની મુખ્ય પરીક્ષાનું પરિણામ લેવાયાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં જાહેર ન થતાં ઉમેદવારોમાં ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. પ્રાથમિક પરીક્ષાનું પરિણામ માત્ર 23 દિવસમાં જાહેર કરનાર યુનિવર્સિટી તંત્ર મુખ્ય પરીક્ષાના પરિણામ મામલે કેમ આટલી ઢીલાશ દાખવી રહ્યું છે, તે મોટો પ્રશ્ન બન્યો છે.
પ્રાથમિક કસોટીનું 23 દિવસમાં પરિણામ
ગુજરાત યુનિવર્સિટીમાં જુનિયર અને સિનિયર ક્લાર્ક સહિતના વિવિધ સંવર્ગોની જગ્યાઓ ભરવા માટે ગત 15 માર્ચ 2026 ના રોજ MCQ આધારિત OMR પદ્ધતિથી પ્રાથમિક કસોટી યોજાઈ હતી. આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નોંધનીય છે કે, આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો હોવા છતાં યુનિવર્સિટીએ ઝડપી કામગીરી કરી માત્ર 23 દિવસમાં એટલે કે 8 એપ્રિલ 2026 ના રોજ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું હતું. ત્યારબાદ, ટૂંકા ગાળામાં જ 30 એપ્રિલ 2026 ના રોજ મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હકારાત્મક પગલું હતું.
ત્રણ મહિના છતાં પરિણામના કોઈ ઠેકાણા નહીં
પ્રાથમિક પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોને બાદ કરતા મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. વળી, મુખ્ય પરીક્ષાની પદ્ધતિ પણ સંપૂર્ણપણે MCQ આધારિત OMR જ હતી. આમ છતાં, પરીક્ષા પૂર્ણ થયાને ત્રણ મહિના કરતાં પણ વધુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પરિણામ જાહેર કરાયું નથી.
આ સમગ્ર ઘટનાક્રમ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરે છે. જ્યારે લાખો ઉમેદવારો અને સમાન OMR પદ્ધતિ હોવા છતાં માત્ર 23 દિવસમાં પરિણામ આવી શકતું હોય, તો તેના કરતા ખૂબ જ ઓછા ઉમેદવારોવાળી મુખ્ય પરીક્ષાનું પરિણામ ત્રણ મહિના પછી પણ કેમ નથી આવ્યું? આ અસાધારણ વિલંબ ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને કાર્યક્ષમતા પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે.

