VIDEO: Ahmedabadમાં મેઘતાંડવ; વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા, શહેરના કેટલાક અંડરપાસ બંધ, વરસાદને કારણે વિઝિબિલિટી શૂન્ય
દક્ષિણ ગુજરાતમાં પવન અને ગરજ-વીજ સાથે મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી તરફ સવારના સમયે નોકરી-ધંધે અને સ્કૂલ-કોલેજે જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદ જિલ્લાના માંડલમાં સૌથી વધુ 1.69 ઈંચ વરસાદ
આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં સૌથી વધુ માંડલમાં 1.69 ઈંચ, ધંધુકામાં 1.10 ઈંચ, વિરમગામમાં 1.06 ઈંચ અને દેત્રોજ-રામપુરામાં 1.02 ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 0.59 ઈંચ જ્યારે ધોળકા, સાણંદ અને બાવળામાં હળવો વરસાદ પડ્યો હતો, જ્યારે દસક્રોઈ અને ધોલેરામાં નહિવત વરસાદ રહ્યો હતો.
શાળાઓમાં પાણી ભરાયા હોય તો રજા કે નિર્ણય લેવા DEOની સૂચના
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે સિટી DEOએ સ્પષ્ટ જણાવ્યું છે કે, 'જે વિસ્તારો કે શાળાઓમાં પાણી ભરાયા હોય ત્યાં શાળા સંચાલકો પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય લઈ શકે છે. વિદ્યાર્થીઓની સલામતી સૌથી અગત્યની બાબત હોવાથી તેમણે કોઈ જોખમ ન ખેડવું પડે તે માટે અગાઉ કરેલા પરિપત્રની તમામ શાળાઓને પુનઃ જાણ કરવામાં આવી છે.'
ચાર કલાકમાં અમદાવાદ શહેરમાં એક ઈંચથી વધુ વરસાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તાજેતરના આંકડા અનુસાર, 23 જુલાઈના રોજ સવારે 6થી 10 વાગ્યાના માત્ર 4 કલાકના સમયગાળામાં શહેરમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી હતી. આ સમય દરમિયાન સૌથી વધુ વરસાદ બોપલમાં 1.99 ઈંચ નોંધાયો છે, જ્યારે સરખેજમાં 1.89 ઈંચ અને બોડકદેવમાં 1.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના અન્ય મુખ્ય વિસ્તારો જેવા કે જોધપુર ઝોનલ 1.71 ઈંચ, જોધપુર 1.67 ઈંચ, થલતેજ 1.30 ઈંચ અને સાયન્સ સિટી 1.16 ઈંચમાં પણ સવારના સુમારે 1 ઈંચ કરતાં વધુ વરસાદ થતાં રસ્તાઓ પાણીથી તરબોળ થયા હતા.
વાસણા બેરેજના 3 દરવાજા સંપૂર્ણ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતાં અમદાવાદના વાસણા બેરેજના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે. સાથે જ નાગરિકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.
શહેરના કેટલાક અંડરપાસ બંધ, વરસાદને કારણે વિઝિબિલિટી શૂન્ય
અખબાર નગરનો અંડરપાસ, પરિમલ અંડરપાસ,જલારામ અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ અને શાહીબાગ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે હેતુથી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ વરસાદને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ ચૂકી છે.
અમદાવાદના પશ્ચિમ અને રિંગ રોડ વિસ્તારોમાં ધોધમાર
અમદાવાદના એસ. જી. હાઈવે, ગોતા, જોધપુર, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, સરખેજ, શાંતિપુરા, શેલા, બોપલ, ઘુમા, સનાથલ, બાકરોલ, વિસલપુર અને કાસિનદ્રા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સવારના સમયે જ ધોધમાર વરસાદ શરૂ થતાં અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વરસાદી માહોલ અને પાણી ભરાવાના કારણે સામાન્ય દિવસોની સરખામણીએ રોડ પર વાહનોની અવરજવર ઓછી જોવા મળી હતી.

