Ahmedabad news: આયુર્વેદિક ચીજોની આડમાં દારૂની હેરાફેરી; સરખેજ પોલીસે 1 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત, ટ્રકચાલકની ધરપકડ

અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે એસ.પી. રિંગ રોડ પર વોચ ગોઠવીને લુધિયાણાથી આવતા એક ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.
પતંજલી પ્રોડક્ટ્સની આડમાં કરાતી હતી દારૂની હેરાફેરી
પોલીસને મળેલી સચોટ બાતમી મુજબ, લુધિયાણા (પંજાબ)થી એક ટ્રક દારૂ ભરીને આવી રહ્યો હતો. આરોપીએ પોલીસને અંધારામાં રાખવા માટે ટ્રકમાં પતંજલી કંપનીના 680 જેટલા કાર્ટન બોક્સ અને લોટના કટ્ટા લોડ કર્યા હતા. જોકે, પોલીસે ઝીણવટભરી તપાસ કરતા આ બોક્સ અને કટ્ટાની નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ઝડપાયેલા મુદ્દામાલની વિગતો
સરખેજ પોલીસે આ ઓપરેશન દરમિયાન કુલ 1,01,61,240 ની મત્તા જપ્ત કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં વિદેશી દારૂ: 5,088 બોટલ અને 4,536 બિયર ટીન (કુલ 9,624 નંગ) જેની કિંમત 76,56,240 થાય છે. આમ દારૂ,ટ્રક અને અન્ય સામાન સહિત કુલ 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રક ચાલક આરોપીની ધરપકડ
આ મામલે પોલીસે ટ્રક ચાલક વગતારામ જગમાલરામ બેનીવાલ (ઉં.વ. 38, રહે. ગામ-જાદુઓ કી નાડી, જી. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સામે અગાઉ ભાભર પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. સરખેજ પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આ દારૂનો જથ્થો ક્યાં મોકલવાનો હતો અને આ નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

