ભરૂચની જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટમાં, કહ્યું- ' આટલા વર્ષો પછી મુદ્દો કેમ ઉઠાવ્યો?'

ભરૂચની જામા મસ્જિદના ઐતિહાસિક ઓળખ અંગેના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પાંચ અરજદારોએ દાવો કર્યો છે કે આ સ્થળ પ્રાચીન જૈન મંદિર અને અશ્વબોધ તીર્થ-શકુનિકા વિહાર છે, જેને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા ખોટી રીતે મસ્જિદ તરીકે નોંધવામાં આવ્યું છે. અરજદારોએ ભોંયરામાંથી ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી હોવાનો દાવો કરીને મૂર્તિને સુરક્ષા આપવા અને જૈન સમાજને પૂજાની મંજૂરી આપવાની માગ કરી હતી.
વધુ સુનાવણી 13 ઓક્ટોબરે હાથ ધરાશે
હાઈકોર્ટે આટલા વર્ષો પછી વિવાદ કેમ ઉઠાવવામાં આવ્યો તેવો સવાલ કર્યો હતો. એએસઆઈને રજૂ કરાયેલા પુરાવાઓની બારીકાઈથી તપાસ કરવા નિર્દેશ અપાયો છે. એએસઆઈએ મૂર્તિ મળી હોવાની હકીકત સ્વીકારી હોવા છતાં કાયદા મુજબ તપાસ બાદ નિર્ણય લેવાની રજૂઆત કરી હતી. હવે આ મામલે વધુ સુનાવણી 13 ઓક્ટોબરે હાથ ધરાશે.
જૈન સમાજે મસ્જિદની લીધી હતી મુલાકાત
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જૈન સમાજના લોકોએ સ્થળની મુલાકાત લીધી હતી. જૈન સમાજના આગેવાનોએ આ સ્થળ જૈન સમરી વિહાર અને તેમની આસ્થાનું કેન્દ્ર હોવાનો દાવો કર્યો છે. આ સિવાય અહીંથી ગણેશજી સહિત અન્ય દેવી-દેવતાઓની પ્રતિમાઓ મળી આવી હોવાના દાવા પણ કરાયા છે. ઐતિહાસિક ઢાંચો ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાના દાવા બાદ હવે જૈન સમાજે આ જગ્યા તેમને પરત સોંપવાની માંગ કરી છે. ધાર્મિક ઓળખ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને લઈને શરૂ થયેલો આ વિવાદ ભરૂચમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, સ્થળના મૂળ સ્વરૂપ અને કરવામાં આવેલા તમામ ધાર્મિક દાવાઓની સ્વતંત્ર ઐતિહાસિક ચકાસણી થવી ખૂબ જ જરૂરી છે.

