Indian Railways: રેલવે મુસાફરો માટે ખુશખબર: અમદાવાદના કાંકરિયામાં કાર્યરત અત્યાધુનિક લોન્ડ્રી, હવે ટ્રેનમાં મળશે હાઈજિનિક બેડરોલ

Indian Railways: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સફરને વધુ આરામદાયક અને સ્વચ્છ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કાંકરિયા ખાતે સ્થાપિત BOOT મોડેલ આધારિત આધુનિક મેકેનાઈઝ્ડ લોન્ડ્રીએ રેલવેના લિનેન મેનેજમેન્ટમાં ક્રાંતિ લાવી દીધી છે. આ લોન્ડ્રી માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ પર્યાવરણની જાળવણીમાં પણ દેશભરમાં અવ્વલ સાબિત થઈ છે.
CAGના રિપોર્ટમાં પણ વખાણ
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) દ્વારા વર્ષ 2022-23 દરમિયાન દેશની 67 મિકેનાઇઝ્ડ લોન્ડ્રીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી પસંદ કરાયેલી 19 લોન્ડ્રીમાં કાંકરિયા લોન્ડ્રીને સૌથી વધુ કિફાયતી, કુશળ અને પર્યાવરણ પ્રેમી જાહેર કરવામાં આવી છે.
પ્રચંડ કાર્યક્ષમતા અને ટેક્નોલૉજીનો સમન્વય
આશરે 1800 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આ લોન્ડ્રીમાં દરરોજ 19.5 ટન લિનેન (જેમાં 18 ટન બેડરોલ અને 1.5 ટન અન્ય કપડાં)ની ધોલાઈ કરવામાં આવે છે. આ આંકડો કેટલો વિશાળ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે દરરોજ 43,000 બેડશીટ અને 21,000 તકિયાના કવર અહીં ધોવામાં આવે છે. આ વ્યવસ્થા દ્વારા દરરોજ અંદાજે 12 લાંબા અંતરની ટ્રેનો માટે બેડરોલની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે.
પર્યાવરણ સુરક્ષા અને ઊર્જા બચત
આ લોન્ડ્રીની ખાસિયત એ છે કે અહીં થર્મિક ફ્લુઇડ બોઇલરમાં કોલસા કે અન્ય પ્રદૂષિત ઈંધણને બદલે મગફળીની છાલ (Groundnut Shell)નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, અહીં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) દ્વારા પાણીને શુદ્ધ કરી દરરોજ 1,20,000 લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જે પર્યાવરણ પ્રત્યેની રેલવેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ફરિયાદોમાં 40% સુધીનો ઘટાડો
રેલવેના આધુનિકીકરણના પરિણામે મુસાફરોનો સંતોષ વધ્યો છે.
વર્ષ 2023માં લિનેન સંબંધિત ફરિયાદો 6,075 હતી, જે વર્ષ 2025 માં ઘટીને માત્ર 3,669 થઈ ગઈ છે.
ગંદા લિનેન બાબતેની ફરિયાદોમાં પણ 34% જેટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
સૌથી મહત્વની વાત એ છે કે, અમદાવાદ મંડળમાં હવે 2 વર્ષથી જૂના લિનેનનો વપરાશ શૂન્ય ટકા કરી દેવામાં આવ્યો છે.
મુસાફરોની સુરક્ષા અને પ્રાઇવસીનું ધ્યાન
રેલવે માત્ર કપડાંની સફાઈ જ નહીં, પણ સ્ટાફની શિસ્ત પર પણ ભાર મૂકી રહ્યું છે. AC કોચ એટેન્ડન્ટ્સ માટે નિયમિત બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ અને કાઉન્સેલિંગ સત્રો યોજવામાં આવે છે. મુસાફરોની પ્રાઈવસી જાળવવા માટે હવે સ્ટાફને 'Masked Reservation Chart' આપવામાં આવે છે. વધુમાં, ગુજરાત મેલ એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે બ્લેન્કેટ કવર આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેને મુસાફરો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

